શનિવારના રોજ ડીસામાં ધોમધખતી ગરમીમાં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ગજબનો ઉત્સાહ જોવા મળ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં લોકસભા ચૂંટણીનો પ્રચાર પ્રસાર હવે અંતિમ તબક્કામાં પહોંચી રહ્યો છે અને આગામી 23 એપ્રિલના ગુજરાતની 26 લોકસભા બેઠક પર મતદાન થનાર છે, ત્યારે દરેક રાજકીય પક્ષ પ્રચાર પ્રસારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તો શનિવારે ડીસા ખાતે ગુજરાતી ગાયક કલાકાર કાજલ મહેરિયાએ ભારતીય જનતા પાર્ટી તરફથી મત માંગવા માટે રોડ શો યોજ્યો હતો.
ડીસા શહેરના સાઈબાબા મંદિરથી શરૂ થયેલા આ રોડ શોમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા અને કાજલ મહેરિયાની એક ઝલક નિહાળવા માટે ઉમટી પડ્યા હતા. ડીસાના સાઈબાબા મંદિરથી શરૂ થયેલો આ રોડ શો એસ.સી.ડબલ્યુ.હાઈસ્કૂલ પહોંચ્યો હતો. આ રોડ શોમાં 40 ડિગ્રી ગરમીમાં પણ ભાજપના કાર્યકરોનો ઉત્સાહ ચરમસીમા પર જોવા મળ્યો હતો. કાજલ મહેરિયાના આ રોડ શો બાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ બમણો થઈ ગયો છે.