સાબરકાંઠા : જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૮ ઉપર હવે રસુલપુરા ગ્રામજનોએ અંડરબ્રિજ ની માગ દોહરાવી છે. આ તકે કોઈપણ રીતે પોતાની માંગણી ઉપર અડગ રહેવાની સાથો સાથ આગામી સમયમાં અંડરબ્રિજ ન બને તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.
એક તરફ સ્થાનિક ગ્રામજનોની ૯૦ ટકાથી વધારેની જમીન હાઈવેની સામેની તરફ હોવાની વાત છે. તો બીજી તરફ સરવના ગામમાં પાસ થયેલા અંડરબ્રિજમાં વહાલા-દવલાની નીતિ અપનાવી રાજકીય લોકોની નિષ્ક્રિયતાને પગલે અન્ય ગામમાં ખસેડી દેવાયા છે. એક તરફ છેલ્લા ૧૦ માસની અંદર 10થી વધારે લોકો અકસ્માતમાં મૃત્યુ થયું છે તો બીજી તરફ અન્નક્ષેત્ર સહિત સ્થાનીય શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ અંડરબ્રિજ ન બને તો પારાવાર મુશ્કેલી સર્જાય તેમ છે.
અંડરબ્રિજને લઇ વારંવાર મુશ્કેલીઓથી ત્રસ્ત થઇને ગ્રામજનો આજે પોતાના પશુઓ સહિત રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો અને આગામી સમયમાં પોતાની માંગણી કોઈપણ ભોગે ન સંતોષાય તો હિંમતનગરને પણ આંદોલનમાં ખસેડી લઇ આવવાની ચીમકી ઉચ્ચારી છે, ત્યારે સ્થાનિક વહીવટીતંત્ર ફરી એકવાર હાઇવેના મુદ્દે નિષ્ક્રિય હોય તેવું જોવા મળ્યું છે. જોકે આગામી સમયમાં જો ઠોસ પગલા ભરવામાં તંત્ર ઉણુ ઉતરશે તો વધુ એક આંદોલન થાય તેમાં શંકાને કોઇ સ્થાન નથી.