સોમવારથી ટ્રાફિક નિયમનના પગલે સાબરકાંઠા જિલ્લામાં પણ નિયમનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા હિંમતનગરના મોતીપુરા પાસે હેલ્મેટ ન ધરાવનારા વાહનચાલકોને રોકી તેમની પાસેથી નવા નિયમ મુજબ દંડની કાર્યવાહી કરી મેમો બનાવ્યા હતા. તમામને ફરીથી ટ્રાફિકના નિયમોનો ભંગ ન કરે તે માટે સમજાવવામાં આવ્યું હતું.
તે સમયગાળા દરમિયાન ટ્રાફિક ભંગ કરનારામાં મિશ્ર પ્રતિભાવ જોવા મળ્યા હતા, ક્યાંક કેટલાક લોકોમાં રોષ પણ હતો. મોટાભાગે લોકોનું એવું માનવું હતું કે, નવા નિયમને પગલે ટ્રાફિક નિયમનમાં સુધારો આવશે તેમજ અકસ્માતને પગલે મોતને ભેટનારા લોકોની સંખ્યામાં પણ ઉણપ આવી શકશે. પ્રતિદિન ટ્રાફીક નિયમોનો ભંગ કરી સરેઆમ લોકોના જીવ સાથે ખેલનારા તત્વો નવા નિયમના પગલે રોડ ઉપર આવવું ભારે પડશે.
જો કે, સરકારી તંત્રને પણ હવે દંડનીય કાર્યવાહીમાંથી મુક્તિ મળી શકે તેમ નથી. પોલીસનું બેનર લગાવી ફરનારા તત્વોને પોતાની બ્લેક ફિલ્મ ઉતારવી પડશે તો બીજી તરફ એસટી વિભાગે પણ હવે સીટ બેલ્ટ ફરજીયાત ન લગાવવા બદલ દંડનીય કાર્યવાહી કરી તેમનો પણ મેમો બનાવ્યો હતો.