સાબરકાંઠા: એક તરફ દિન પ્રતિદિન બાગાયતી ખેતી મોંઘી બની રહી છે તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના નવારેવાસ ગામે ઠંડા પ્રદેશમાં થતી સ્ટ્રોબેરીની ખેતી કરવામાં આવી છે. જેમાં ઓછી જમીનમાંથી વધુ ઉત્પાદન મેળવાયું છે. ખેડૂતના મતે આગામી સમયમાં સ્ટ્રોબેરી જેવી ખેતી કરવામાં આવે તો નાનામાં નાનો ખેડૂત પણ આર્થિક દ્રષ્ટિએ મજબૂત થઈ શકે તેમ છે. જેમાં અડધા એકરથી પણ ઓછી જમીનમાંથી બે લાખથી વધારેની આવક ખેડૂત મેળવી ચૂક્યો છે.
મબલક આવક: રેવાસ ગામે ભરતભાઈ પટેલ નામના ખેડૂતે સ્ટ્રોબેરીની ખેતી કરી એક નવો ચીલો ચિતર્યો છે. જેમાં સામાન્ય રીતે ઠંડા પ્રદેશમાં થતી સ્ટ્રોબેરીને યોગ્ય વાતાવરણ સહિત માવજત કરાયાના પગલે એકરના પાંચમા ભાગમાં કરાયેલી પ્રયોગ સ્વરૂપ ખેતી સંપૂર્ણ સફળ બની રહી છે. સામાન્ય રીતે એક એકરમાં પરંપરાગત ખેતી કરાય તો વર્ષના અંતે એકાદ લાખ જેટલી આવક ખેડૂત મેળવી શકે છે. જોકે નવા રેવાસ ગામના ભરતભાઈ પટેલે સ્ટ્રોબેરીની ખેતી થકી અત્યારથી જ એક લાખથી વધુ આવક મેળવી ચૂક્યા છે.
ખેડૂતોને સરળતા: પરંપરાગત ખેતી કરતા સ્ટ્રોબેરીની બાગાયતી ખેતી આગામી સમયમાં સમગ્ર ખેડૂત જગત માટે આવકનો વધુ એક સ્ત્રોત બની રહે તેવી સંભાવનાઓ છે. સ્ટ્રોબેરીની ખેતી માટે શરૂઆતના તબક્કે કરાયેલો ખર્ચ આગામી સમયમાં ફાયદા રૂપ બની રહે તેવું ખેડૂતનું માનવું છે. જોકે આ મામલે અન્ય ખેડૂતોનું પણ માનવું છે કે સ્ટ્રોબેરી જેવી ખેતી કરવી જોઈએ કારણ કે ભાવ સહિત તેનું માર્કેટ હવે સ્થાનિક કક્ષાએ મળી રહે છે. જેના પગલે સ્ટ્રોબેરીના વેચાણ માટે અન્ય કોઈ જગ્યાએ જવાની જરૂર રહેતી નથી.
ફ્રેશ અને શહેરની કક્ષાએ સસ્તી સ્ટ્રોબેરી: જોકે સામાન્ય રીતે હાલના તબક્કે કોઈપણ ખેડૂત પરંપરાગત ખેતી કરે તો તેને વેચવા માટે માર્કેટયાર્ડ સહિત વેપારીઓ પાસે જવું પડતું હોય છે. બાગાયત ખેતી અંતર્ગત સ્ટ્રોબેરીની ખેતી કરનારા ભરતભાઈ પટેલ પાસે સવારથી જ લોકો તાજી, ફ્રેશ અને શહેરની કક્ષાએ સસ્તી સ્ટ્રોબેરી લેવા ઉમટી પડે છે. લોકોને પણ સરળતાથી સ્ટ્રોબેરી મળતા તેઓ ખુશ જણાઈ રહ્યા છે. સામાન્ય રીતે ગ્રામીણ વિસ્તારમાં સ્ટ્રોબેરી સરળતાથી મળતી હોય તો અન્ય વેપારી સુધી જવાની જરૂર પડતી નથી તેમ જ લોકો પણ પોતાના બાળકો માટે સ્ટ્રોબેરી ખરીદતા થયા છે.