સાબરકાંઠા: જિલ્લાની 518 વ્યાજબી ભાવની દુકાન પરથી 1,93,881 રેશનકાર્ડ ધારકોને એપ્રિલ-2020 માસમાં ઘઉં, ચોખા, દાળ, ખાંડ, આયોડાઇઝ મીઠું જેવી આવશ્યક ચીજ વસ્તુઓનો જથ્થો વિનામૂલ્યે વિતરણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ અંગે કલેક્ટર સી.જે.પટેલે જણાવ્યું હતું કે, જાહેર વિતરણ વ્યવસ્થા અન્વયે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ અંતર્ગત પાત્રતા ધરાવતા 61,080 કુટુંબો, અંત્યોદય તેમજ બી.પી.એલના 1,32,801 કાર્ડધારકોને 8 કિલો રાશન આપવામાં આવશે. જયારે રાશનકાર્ડ ન ધરાવતા શ્રમિકોને અન્નમબ્રહ્મ યોજના અંતર્ગત તારીખ 4 એપ્રિલથી રાશન આપવામાં આવશે. જેમાં 3.5 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા, 1 કિલો ખાંડ, 1 કિલો મીઠું અને 1 કિલો દાળ આપવામાં આવશે.
આ કામગીરી સવારના 8 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી 100 ટકા પૂર્ણ કરવા તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. વાજબી ભાવની દુકાન ખાતે ભીડ ન થાય અને સોશિયલ ડીસ્ટન્સ જળવાઇ રહે, શાંતિથી વિતરણ કરવાની સાથોસાથ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે તાલુકા, ગ્રામ્ય અને શહેરના પુરવઠા તંત્રને સ્થાનિક ગ્રામ રક્ષક દળ, હોમ ગાર્ડ તથા પોલીસ તંત્રની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
જોકે, જિલ્લામાં હજુ સુધી કોઈપણ કોરોના વાઇરસનો પોઝિટિવ કેસ દાખલ થયો નથી, ત્યારે તંત્ર દ્વારા હજુ પણ ખાસ તકેદારીના પગલા ભરે તે જરૂરી છે.