કચ્છ: ભુજ અશ્વ પાલક ગ્રુપ દ્વારા કચ્છના વેકરીયાના રણમાં અશ્વ હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છી સિંધી ઘોડાને માન્યતા મળ્યા બાદ ભારતના જુદા જુદા રાજ્યોમાંથી લોકો અહીં ભાગ લે છે. જેમાં મહારાષ્ટ્ર, બિહાર, રાજસ્થાન, યુપી, મધ્યપ્રદેશ, ગુજરાત સહિતના ઘોડેસવારો અને પાલકો દ્વારા હરીફાઈમાં ભાગ લેવામાં આવ્યો હતો. ઘોડાની કુલ 6 હરીફાઈમાં અંદાજે 150 થી વધુ ઘોડે સવારએ ભાગ લીધો હતો. મહારાષ્ટ્રના ખાગરિયા (khagaria) નસલના ઘોડાએ મોટી રેવાલ રેસ જીતીને ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો.
મહારાષ્ટ્રના ઘોડાએ જીતી કચ્છની સૌથી મોટી ઘોડા દોડ: મહારાષ્ટ્રથી આવેલા એઆર સ્ટડ ફાર્મ ગ્રુપ (AR Stud Farm Group) ના 'અલ સકબ' ઘોડાએ રેસમાં મેદાન માર્યું હતું. મોટી રેવાલ કેટેગરીમાં આ ઘોડો પ્રથમ આવ્યો હતો અને 40 કિલોમીટરથી વધુની ઝડપે તે દોડ્યો હતો. ઇનામમાં ઘોડેસવારને બાઈક મળી હતી. લાખેણો કહેવાતો આ ઘોડો હરીફાઈમાં પ્રથમ આવતા તેના માલિકોએ આનંદ વ્યક્ત કર્યો હતો. તો અહીં 25 દિવસથી ટ્રેનિંગમાં આવેલા લોકોએ કચ્છની મહેમાનગતિ માણીને પણ અભિભૂત થયા હતા. ઉપરાંત પોતાનો ઘોડો હરીફાઈ જીતતા માલિકે નોટોના બંડલ પણ હવામાં ઉછાળ્યો હતો. આ હરીફાઈની ડ્રોન તસવીરો વિકાસ આહિર દ્વારા કેદ કરવામાં આવી હતી.
દરરોજનો 2000 રૂપિયાનો ઘોડાનું ડાયટ, 4 લોકો દેખરેખ માટે: એઆર સ્ટડ ફાર્મ ગ્રુપના ઘોડેસવાર આફતાબ પઠાણે માહિતી આપતા જણાવ્યું હતું કે, એઆર સ્ટડ ફાર્મ પાસે કુલ 10 ઘોડા છે જે પૈકી 'અલ સકબ' પણ છે. આઅ ઘોડો ખાગરિયા (Khagaria) નસલનો ઘોડો છે તેની ઉંમર 5 વર્ષની છે. તેની ઊંચાઈ 61 ઇંચની છે. તે દરરોજ રેવાલ ચાલની પ્રેક્ટિસ પણ કરે છે અને દરરોજનું 2000 રૂપિયાનું ડાયટ ફોલો કરે છે. આ ડાયટમાં ડ્રાયફ્રુટસ પણ હોય છે. આ ઘોડાની દેખરેખ 4 લોકો કરે છે જેનો મહિનાનો પગાર 15000 થી 20000 છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ ઘોડો અગાઉ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને બિહારમાં યોજાયેલી ઘોડા દોડમાં ચેમ્પિયન થઈ ચૂક્યો છે.
ભારતભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઘોડા હરીફાઈમાં જોડાયા: સામાન્ય રીતે રણમાં ઊંટ જ ચાલતા હોય છે તેવું સાંભળ્યું છે પરંતુ કચ્છના વેકરીયાના રણમાં ઘોડા દોડ યોજાઈ હતી. કચ્છી સિંધી ઘોડાની માન્યતા પછી કચ્છના રણમાં અશ્વ હરીફાઇ પણ યોજાતી હોય છે. પરિણામે ભારતભરમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં ઘોડા હરીફાઈમાં જોડાયા હતા. ભારતમાં ઘોડાની માન્યતા પ્રાપ્ત હોય એવી 7 નસલ છે જેમાં 7મી નસલ તરીકે માન્યતા પ્રાપ્ત કરનાર કચ્છી સિંધી ઘોડાની નસલ છે. આ ઘોડાઓ અલગ અલગ રાજ્યમાં જઈ અને ત્યાં ટ્રેનિંગ લેતા હોય છે.
જુદી જુદી કેટેગરીની કુલ 6 હરીફાઈ યોજાઈ: કચ્છના વેકરિયા રણમાં ભુજ અશ્વ પાલક ગ્રુપ દ્વારા આયોજિત આ હરીફાઈમાં ઘણા રાજ્યોનાં લોકો ભાગ લેતા હોય છે. જેમાં કચ્છ ઉપરાંત અન્ય વિસ્તારના કચ્છી સિંધી અશ્વ પાલકો વિવિધ હરીફાઈમાં ભાગ લીધો હતો. જેમાં 3-3 કિલોમીટરની 2 અને કુલ 6 હરીફાઈ યોજાઈ હતી. જેમાં મોટી રેવાલ, નાની રેવાલ, બે દાંત વછેરા, અ દાંત વછેરા, રાઉન્ડ રેસ અને સરાડો જેવી રેસ યોજવામાં આવી હતી. આ રેવાલ ચાલ એટલે ઘોડો પોતાનો દરેક પગ અલગ અલગ સમયે ઊંચે ઉઠાવે અને તેના ચારેય પગ જુદા જુદા સમયે નીચે જમીન પર પડે છે.
રેવાલ ચાલના કારણે કચ્છી સિંધી નસલના ઘોડાનું મહત્ત્વ વધ્યું: કચ્છી સિંધી નસલના ઘોડા કચ્છ ઉપરાંત રાજસ્થાનના બાડમેરમાં મુખ્યત્વે જોવા મળે છે. અહીં 400 થી 500 લોકો ઘોડાઓ લઈને આવ્યા હતા. ઉપરાંત હરીફાઈ જોવા માટે હજારોની સંખ્યામાં પણ લોકો ઉમટયા હતા. અશ્વ પાલન માટે જાગૃતિ આવે તે માટે કચ્છમાં વિવિધ સ્થળોએ હરીફાઈના આયોજનોમાં રેવાલ ચાલના કારણે કચ્છી સિંધી નસલના ઘોડાનું મહત્વ વધ્યું છે. આ ઘોડો જ્યારે રેવાલ ચાલ ચાલે ત્યારે એમ કહેવામાં આવે છે કે, અસવાર કોઇ ખુલ્લા વાસણમાં પ્રવાહી લઇ જાય તોય એ હલતું નથી એ અન્ય ઘોડાની સરખામણીએ એની વિશેષતા છે.
રેસની જુદી જુદી કેટેગરીમાં ઇનામો:
- મોટી રેવાલની 3 કિલો મીટરની રેસમાં પ્રથમ ક્રમાંકે આવનારને બાઇક, બીજા ક્રમાંકે આવનાર વિજેતાને રૂપિયા 25,000 અને ત્રીજા ક્રમાંકે આવનાર વિજેતાને રૂપિયા 15,000 નું રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું.
- નાની રેવાલ રેસમાં પ્રથમ આવનારને 21,000 બીજાને 15,000 અને ત્રીજને 11000 નું ઇનામ આપવામાં આવે છે. બે દાંત કેટેગરીમાં પ્રથમ ક્રમાંકે 6100,બીજાને 5100 અને ત્રીજાને 4100 નું ઇનામ આપવામાં આવે છે.
- અ દાત કેટેગરીમાં પ્રથમ ક્રમાંકે 5100, બીજાને 4100 અને ત્રીજાને 3100 નું ઇનામ આપવામાં આવે છે.
- રાઉન્ડ રેસમાં પ્રથમને 4100, બીજાને 3100 અને ત્રીજાને 2100 નું રોકડ ઇનામ આપવામાં આવે છે.
- સરાડો કેટેગરીમાં પ્રથમ ક્રમાંકે 6100, બીજાને 5100 અને ત્રીજાને 4100 નું ઇનામ આપવામાં આવે છે.
હરીફાઈનો ક્રેઝ એટલો હોય છે કે અલગ અલગ રાજ્યના લોકો હરીફાઈ જોવા આવે છે:
કચ્છના વેકરીયા રણમાં કોમી એકતાના ભાવથી આ હરીફાઈ યોજાતી હોય છે અને જેમાં હિંદુ, મુસ્લિમ, સરદાર સહિતના લોકો પણ ભાગ લેતા હોય છે અને રેફરી તરીકે પણ ફરજ બજાવતા હોય છે. વેકરીયાના ખુલ્લા રણ મેદાનમાં આ હરીફાઈ કરવામાં આવે છે જેમાં લાખોના ઇનામો પણ આપવામાં આવે છે. મોટી રેવાલ હરિફાઈમાં પ્રથમ ઇનામને બાઇક આપવામાં આવી હતી અને બાકીના હજારોના ઇનામો પણ આપવામાં આવ્યા હતા. આ હરીફાઈનો ક્રેઝ એટલો હોય છે કે અલગ અલગ રાજ્યના લોકો અહીં હરીફાઈમાં ભાગ લેવા માટે અને જોવા માટે પણ આવતા હોય છે.
સિંધી ઘોડાને ભારતમાં ઘોડાની સાતમી ઓલાદ તરીકે માન્યતા અપાઇ હતી:
2017ના નેશનલ બ્યુરો ઓફ એનિમલ જેનેટીક રિસોર્સ (National Bureau of Animal Genetic Resources) દ્વારા કચ્છી સિંધી ઘોડાને ભારતમાં ઘોડાની સાતમી ઓલાદ તરીકે માન્યતા અપાઈ હતી. હાલ કચ્છમાં રણ ઉત્સવ ચાલી રહ્યો છે તેથી આ હરીફાઇ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. રણમાં આવેલા લોકો ઘોડાની જાત અને રેસ જોઈને આનંદિત થયા હતા અને હજારોની સંખ્યામાં લોકોએ આ હરીફાઈ નિહાળી હતી.
આ પણ વાંચો: