- પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા યાત્રાધામ અંબાજીની મુલાકાતે
- રાકેશ ટિકૈતના ગુજરાત પ્રવાસ અને આંદોલન અંગે રણનીતિ ઘડી
- અંબાજીમાં માતાજીના દર્શન કર્યા બાદ રાકેશ ટિકૈત ખેડૂતોને સંબોધન કરશે
બનાસકાંઠા: દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના અગ્રણી નેતા રાકેશ ટિકૈત બે દિવસ ગુજરાતના પ્રવાસે આવવાના છે. જેને લઈને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા આજે શનિવારે યાત્રાધામ અંબાજીની મુલાકાતે પહોંચ્યા હતા. અંબાજી ખાતે આવેલા સર્કિટ હાઉસમાં રાજકીય નેતાઓ સાથે બેઠક યોજીને આગામી 4 અને 5 એપ્રિલે અંબાજીથી શરૂ થનારા રાકેશ ટિકૈતના ગુજરાત પ્રવાસ અને આંદોલન અંગે રણનીતિ ઘડી હતી.
ભાવ ન મળતા બનાસકાંઠાના ખેડૂતો બટાકા રોડ પર નાખી રહ્યા છે
અંબાજીમાં માતાજીના દર્શન કર્યા બાદ રાકેશ ટિકૈત ખેડૂતોને સંબોધન કરશે. ત્યારબાદ બનાસકાંઠા જિલ્લાનો પ્રવાસ શરુ કરશે. રાકેશ ટિકૈતના ગુજરાત પ્રવાસને લઈને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, દિલ્લીથી ખેડૂત આંદોલન હવે ગુજરાત તરફ આવી રહ્યુ છે. ગુજરાતમાં ખેડૂતો પરેશાન છે. બટાકાના ભાવ ન મળતા બનાસકાંઠાના ખેડૂતો બટાકા રોડ પર નાખી રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા પાલનપુર પહોંચ્યા
ગુજરાત પ્રવાસમાં અંબાજી બાદ રાકેશ ટિકૈત પાલનપુર જશે
અંબાજીથી માં અંબાના દર્શન કર્યા બાદ શરૂ થનારા ગુજરાત પ્રવાસમાં અંબાજી બાદ રાકેશ ટિકૈત પાલનપુર જશે. જ્યાં રાકેશ ટિકૈત સામે ખેડૂતો બટાકાના ટ્રેકટરો ભરીને આવશે અને તે બટાકા વડાપ્રધાનને મોકલવામાં આવશે. શંકરસિંહ વાઘેલાએ વધુમાં કહ્યું હતું કે, સરકારને અમારા કાર્યક્રમો ભારે પડતા હોય તો થાય તે કરીલે. અમે પરમીશન માંગીશુ. તે આપવી ન આપવી તેમની મરજી પણ અમારા કાર્યક્રમો થશે જ. રાકેશ ટિકૈતના પ્રવાસની પ્રશાસન પરવાનગી આપે કે ન આપે પરંતુ આ ખેડૂતો માટેનું આંદોલન છે અને ગુજરાતમાં આ પ્રવાસ યોજાશે. બનાસકાંઠાના પ્રવાસ બાદ 5 એપ્રિલે અમદાવાદ ગાંધી આશ્રમ અને બારડોલી જશે.
આ પણ વાંચો: ખેડૂત આંદોલનઃ શંકરસિંહ બાપુ ગાંધીનગરથી ગાંધી આશ્રમ પણ ના પહોંચી શક્યા, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત