ભાવનગર: જ્ઞાન મેળવવા ગંદકીમાં થઈને પસાર થવું કોને પસંદ પડે ? હા આવી પરિસ્થિતિ વર્ષોથી યુનિવર્સિટીના બે કેમ્પસને જોડતા રસ્તાની છે. વિદ્યાર્થીઓ ગંદકીમાં પગ મૂકીને જાય છે.ના છૂટકે જવું પડે છે અને ના છૂટકે આવવું પડે છે, કારણ કે બીજા કોઈ માર્ગ નથી. સૌથી વધુ અસર સમરસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને કર્મચારીઓ પણ ભોગવી રહ્યા છે. જાણો સમસ્યા કેટલી જટીલ છે.
યુનિવર્સિટીના બે કેમ્પસને જોડતા માર્ગમાં ગંદકી અડચણ
'સમરસ હોસ્ટેલમાં ભણતા વિદ્યાર્થીઓ રહેતા વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટમાં અને અલગ-અલગ કોલેજમાં ભણે છે, એટલે આશરે સવારથી સાંજ સુધીમાં લગભગ 1000 થી વધારે વિદ્યાર્થીઓ અહીંથી ચાલીને જાય છે અને એમને છેલ્લા ચાર વર્ષથી તો સતત આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે'. - મહેબૂબ બ્લોચ, પૂર્વ સેનેટ સભ્ય
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના વોર્ડની સમસ્યા
મહેબૂબ બ્લોચે વધુમાં જણાવ્યું હતું કે, કોર્પોરેશને ગટર વ્યવસ્થા જે કંઈ કરી હશે, પરંતુ એ વખતે કદાચ તેમને સમરસ હોસ્ટેલને ધ્યાને ન લીધી હોય અથવા તો આ નવી બનેલી સોસાયટીઓને ધ્યાને લીધા વગર આ ગટર વ્યવસ્થા બનાવી હોય જેથી કરીને વધારે પડતું ફોર્સ થવાના કારણે આ કાયમી ઉકેલ નથી આવતો અને કાયમી આજ પરિસ્થિતિમાં હોય છે, અને વિદ્યાર્થીઓએ અહીંથી કાયમી આ નર્કમાંથી પસાર થઈ જવાનું હોય છે. હું ભૂલતો ના હોય તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો આ વોર્ડ છે અને એમના વિસ્તારની આ હાલત આપણે જોઈ શકીએ છીએ.
''હું સમરસ હોસ્ટેલમાં રહું છું. હું સમરસ હોસ્ટેલથી બે વર્ષથી ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ અભ્યાસ કરવા માટે ચાલીને જાવ છું. બે વર્ષથી અહીં ગટરનું પાણી ભરાતું હોય છે, તો આવવા-જવા માટે અમારે તેને પાર કરીને, પગ બગાડીને ગટરના પાણીમાંથી ચાલીને જવું પડતું હોય છે, તો તંત્રને એવી વિનંતી છે કે, આ પાણીની સમસ્યાઓનો હલ કરે અને યોગ્ય રસ્તાનો નિકાલ કરે'. -ઉછડીયા અસલમ, વિદ્યાર્થી
યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વધુ એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, હું અહીં વાણિજ્ય ભવનમાં સેમેસ્ટર- 4માં અભ્યાસ કરું છું, અને અહીંથી હું સવારે 11 વાગે અને બપોરે 3 વાગ્યે અવર-જવર કરું છું, અને આ તકલીફ ઘણા સમયથી છે, ચોમાસામાં હતી અને શિયાળામાં પણ આ તકલીફ જોવા મળે છે, અને ઘણા વિદ્યાર્થીઓને અહીંથી અવર-જવર કરવામાં મુશ્કેલી અનુભવાય છે. આ સરકારને વિનંતી કરું છું કે ગટર સાફ કરાવે અથવા પાણીનો નિકાલ કરાવે. - પરમાર ભૌતિક, વિદ્યાર્થી
મહાનગરપાલિકાએ દોષનો ટોપલો ક્યાં ઢોળ્યો ?
આ અંગે ડ્રેનેજ અધિકારી એન.બી.વઢવાણિયાએ જણાવ્યું હતું કે, સમરસ હોસ્ટેલ પાસે જે ગટર ઉભરાય છે, એમાં ક્યારેક જ બે કે ત્રણ મહિને આવો પ્રશ્ન આવે છે કે, જેમાં મેઈન સમરસ હોસ્ટેલના કિચન વેસ્ટ આવતો હશે અથવા આગળ એક વિશાલા રેસ્ટોરન્ટ છે એને નોટિસથી જાણ કરાશે, કારણ કે આ વારંવાર બે થી ત્રણ મહિનામાં એક વખત જેટિંગ મશીન મોકલીને અમારે ત્યાં સાફ-સફાઈ કરાવવી પડે છે. બાકી અન્ય કોઈ સમસ્યા અમારા ધ્યાન ઉપર નથી. એ બાબતે એના લેવલ ચેક કરવા પડશે. આ બાબતે અધિકારીએ તેમના વિભાગ તરફથી ચેક કરાવી લેવાની ખાતરી આપી હતી.