કચ્છ: વર્ષ 2024માં પૂર્વ કચ્છ જિલ્લામાં ગુનાનું પ્રમાણ વધુ રહ્યું છે ત્યારે વધુ પડતાં અકસ્માતો પણ આ વિસ્તારમાં થયા છે. છેલ્લા 1 વર્ષમાં 193 જેટલા અકસ્માતમાં લોકોના મૃત્યુ થયા હતા. ગુનાઓની વાત કરવામાં આવે તો કુલ 30 જેટલા હત્યાના ગુના બન્યા હતા. સરકારી કર્મચારીઓ પર 10 જેટલા જીવલેણ હુમલા થયા હતા, તો 30 જેટલા ગુનાઓમાં હત્યાની કોશિશ કરવામાં આવી હતી, 32 જેટલા લૂંટના ગુના નોંધાયા હતા, 237 જેટલા ઘરફોડ ચોરી અને મંદિરોમાં ચોરીન ગુના અને 152 જેટલા વાહનચોરીના ગુના નોંધાયા હતા.
પૂર્વ કચ્છમાં વર્ષ 2024 દરમિયાન થયેલા ગુનાઓ: પૂર્વ કચ્છ જીલ્લાના અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર વિસ્તારમાં ગુનાઓનું પ્રમાણ વધ્યું છે. આ વિસ્તારની પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, ખાસ કરીને આ વિસ્તારમાં ઔધોગિક એકમો હોવાથી વિવિધ વિસ્તારમાંથી આવેલા પરપ્રાંતીય લોકો પણ ગુનો આચરતા હોય છે. ગત વર્ષે એટલે કે વર્ષ 2024 દરમિયાન અકસ્માતના કિસ્સા પણ વધ્યા હતા. જેમાં વાહનોની ગતિ વધારે રહેતા પૂર્વ કચ્છ જિલ્લામાં 193 અકસ્માતમાં લોકોને પોતાનો જીવ ખોવાનો વારો આવ્યો હતો. ઉપરાંત વર્ષ 2024 દરમિયાન હત્યાના બનાવો, ચોરી, લૂંટ, હત્યાના પ્રયાસો સહિતના ગુનાઓના કારણે પૂર્વ કચ્છ પોલીસ સતત દોડતી રહી હતી.
નાની બાબતો કે જૂના ઝઘડાનું મનદુ:ખ રાખીને હત્યાના ગુના થયા: પૂર્વ કચ્છમાં નાની બાબતોમાં કે જૂના ઝઘડાનું મનદુ:ખ રાખીને તેમજ ઓછી સહનશક્તિ અને ઓછી સમજથી માથાભારે તત્ત્વોએ હત્યાના ગુના આચર્યા હતા. જેમાં મીઠા પસવારિયામાં આધેડની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. તો અંજારના ટપ્પરમાં પ્રેમ સંબંધ મુદ્દે યુવાનને પતાવી દેવામાં આવ્યું હતું. વાગડ વિસ્તારમાં ભચાઉમાં SRP જવાનની હત્યા કરી દેવામાં આવી હતી. મેઘપર બોરીચીનાં મંદિર નજીક યુવાનનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું. ભુટકિયામાં છરીના ઘા ઝીંકી પતિએ પત્નીને રહેંસી નાખી હતી અને હત્યા કરી હતી.
સિનુગ્રામાં શ્રમિકને પથ્થરના ઘા ઝીંકીને પતાવી દેવામાં આવ્યું: અભયારણ્યનાં રણમાં મીઠાની જમીન મુદ્દે કાનમેર સીમમાં બંદૂકના ભડાકે એક યુવાનને પતાવી દેવામાં આવ્યો હતો જેણે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી હતી. આર્થિક પાટનગર ગાંધીધામમાં પૈસાની લેતી-દેતી મુદ્દે યુવાનની સાથળમાં છરીના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી હતી. પૂર્વ કચ્છના ચોબારીમાં છરીના ઘા ઝીંકીને યુવાનને પતાવી દેવામાં આવ્યો હતો. તો ચોબારીમાં જ આડા સંબંધ મુદ્દે યુવાનને પતાવી દેવામાં આવ્યું હતું. સિનુગ્રામાં શ્રમિકને પથ્થરના ઘા ઝીંકીને કારખાનામાં જ પતાવી દેવામાં આવ્યું હતું.
કૌટુંબિક સસરાએ જમાઇની જ હત્યા કરી: કચ્છના આર્થિક પાટનગરમાં ગાંધીધામ સુંદરપુરીમાં પથ્થરના ઘા મારી યુવાનની હત્યા નિપજાવામાં આવી હતી.આદિપુરમાં બનેવીએ સાળાની હત્યા કરી નાખી હતી. ગાંધીધામમાં જુગાર રમતાં ડખો થતાં યુવાનને પતાવી દેવામાં આવ્યું હતું. તો વરસામેડીમાં આધેડને મોતને ઘાટ ઊતારી દેવામાં આવ્યો હતો. પૂર્વ કચ્છના અંજારમાં સરાહજાહેર યુવાનને રહેંસી નાખવામાં આવ્યો હતો જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. તો ભારાપરમાં કૌટુંબિક સસરાએ જમાઇની જ હત્યા કરીને ઢીમ ઢાળી નાખ્યું હતું.
ગળપાદરમાં સગા કાકાએ જ ભત્રીજાનું ઢીમ ઢાળી નાખ્યું: પૂર્વ કચ્છના ગાંધીધામમાં બીજાં લગ્ન મુદ્દે પતિએ પત્નીની હત્યા કરી હતી. ગાંધીધામના રમતગમત સંકુલ પાસે યુવાનને મારી નાખી પતાવી દેવામાં આવ્યો હતો. ખાંડેકમાં મિત્રના હાથે જ મિત્રનું ખૂન થયું હતું. ગળપાદરમાં સગા કાકાએ જ ભત્રીજાનું ઢીમ ઢાળી નાખ્યું હતું. ગાંધીધામની ભાગોળે મચ્છુનગર વિસ્તારમાં યુવતીની હત્યા કરી દેવામાં આવી હતી.
વર્ષ 2024માં હત્યાના પ્રયાસ કરવાના 30 જેટલા ગુના નોંધાયા: પોલીસે પૂર્વ કચ્છમાં નોંધાયેલા હત્યાના 30 જેટલા ગુનાઓમાં તમામ ગુનાઓનો ભેદ ઉકેલીને આરોપીઓને પકડી પાડયા હતા. આ ઉપરાંત પૂર્વ કચ્છમાં સરકારી કર્મીઓ પર હુમલાના પણ 10 જેટલા ગુના નોંધાયા હતા. તો વર્ષ 2024માં હત્યાના પ્રયાસ કરવાના 30 જેટલા ગુના નોંધાયા હતા. જેમાં બહુચર્ચિત અંજારમાં રાત્રીના સમયે શ્રમિકોના ઝૂંપડાં સળગાવી મારી નાખવાની કોશિષ કરવામાં આવી હતી.
પૂર્વ કચ્છમાં લૂંટના 32 જેટલા બનાવ: વર્ષ 2024 દરમિયાન પૂર્વ કચ્છમાં લૂંટના 32 જેટલા બનાવ બન્યા હતા, જે પૈકી અનેક ગુનાઓનો પડદો હજુ ઊંચકાયો નથી. અંજારમાં વૃદ્ધ દંપતી પર હુમલો કરી બંગડીની લૂંટ ચલાવનાર આરોપી ઝડપાયો હતો. અંજારમાં ધમધમતા વિસ્તારમાં છરીની અણીએ 40 લાખની લૂંટનો ચકચારી બનાવ બાદમાં આરોપીઓ ગઢશીશા બાજુથી ઝડપાયા હતા અને જેની સાથે લૂંટ થઈ હતી તેને રકમ પરત આપવામાં આવી હતી. એક કા તીન કરવાની લાલચમાં વરસાણા નજીક 3 લાખની લૂંટ ચલાવવામાં આવી હતી જેમાં ત્રણ આરોપી ઝડપી લેવામાં આવ્યા હતા. અંજારમાં યુવાનને બંધક બનાવી લૂંટ ચલાવાઈ હતી તો મેઘપર બોરીચીમાં ઘરમાં ઘૂસી મહિલા પાસેથી લૂંટ ચલાવવામાં આવી હતી.
ઘરફોડ ચોરીના 237 જેટલા ગુના નોંધાયા: પૂર્વ કચ્છમાં છેલ્લાં કેટલાક સમયથી સામૂહિક ચોરીના બનાવો વધ્યા હતા, પરંતુ ચોરોને પકડવામાં જોઈએ તેટલી સફળતા મળી નથી. વર્ષ 2024 દરમિયાન ઘરફોડ ચોરીના 237 જેટલા ગુના નોંધાયા હતા જે પૈકી 145 જેટલા કેસમાં પોલીસે આરોપીઓને ઝડપી પાડયા હતા. બાકીના કેસોમાં હજુ પણ આરોપીઓ ઝડપાયા નથી. સામૂહિક મંદિરોમાં ચોરીના 4 ગુના નોંધાયા હતા જે પૈકી ત્રણ કેસ પોલીસે ઉકેલી કાઢ્યા હતા.
વાહનચોરીના 152 કેસમાંથી 73 જેટલા વાહન ચોરીના ભેદ ઉકેલાયા: વાહનચોરીના 152 કેસમાંથી 73 જેટલા વાહન ચોરીના ભેદ ઉકેલવામાં પોલીસ સફળ રહી છે, બાકીમાં હજુ તપાસ ચાલી રહી છે. ખાંડેકમાં બે મંદિરમાં તસ્કરી થઈ હતી તો ભચાઉ-ભુજ માર્ગ પર ટ્રક પલટી જતાં ટ્રકમાંથી 286 ઘીના ડબ્બાની ચોરી થઈ હતી.બીજી બાજુ વરસામેડીમાં 8.21 લાખની ચોરી થતા પત્ની સહિત બે લોકો સામે ફરિયાદ નોંધાવામાં આવી હતી. ગાંધીધામના વોર્ડ-7-સીમાં બંધ મકાનમાંથી ચોરોએ 8.34 લાખના માલમતાની ચોરી કરી હતી. બીજું બાજુ ચોબારીમાં બંધ ઘરનાં તાળાં તોડી તસ્કરો ત્રાટક્યા હતા અને 4 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી.
અંજારમાં પાડોશી મહિલાએ જ પાડોશીના ઘરમાંથી 9.30 લાખની ચોરી કરી: પૂર્વ કચ્છના આદિપુરમાં ઘરનાં તાળાં તોડી 8.16 લાખનો મુદ્દામાલ ચોરાયો હતો. ગાંધીધામમાં એસ.ટી. બસમાં મહિલાના પર્સમાંથી 4.40 લાખની માલમતા ચોરાઈ હતી. ચર્ચા જગાવનાર કેસમાં ચોબારી પોલીસ ચોકીનો કાટમાળ સગેવગે કરી દેવાયો હતો. વરસામેડીમાં દંપતી શિમલા ફરવા ગયા હતા અને ઘરમાંથી ચોરોએ 1.68 લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયા હતા. તો અંજારમાં પાડોશી મહિલાએ જ બાજુના મકાનમાં 9.30 લાખની મતાનો મુદ્દામાલ ચોર્યો હતો.
ચિત્રોડમાં 11 અને કાનમેરમાં 8 મંદિરમાં સામૂહિક ચોરી: ગાંધીધામ મચ્છુનગરમાં રેલવે કર્મચારીના ઘરમાંથી 6.64 લાખની ચોરી થઈ હતી. ગાંધીધામ કાસેઝની કંપનીમાંથી રૂપિયા 16 લાખની સોપારીની ચોરી કરવામાં આવી હતી. ચિત્રોડમાં 11 જેટલા મંદિરમાં સામૂહિક ચોરી કરી હતી તો થોડાક દિવસ બાદ કાનમેરમાં 8 મંદિરમાં સામૂહિક ચોરી થઈ હતી જે પૈકી અમુક ચોરીના ભેદ ઉકેલાયા હતા જોકે હજુ પણ અમુક ભેદ વણઉકેલ્યા છે.
મહિલા પોલીસ કર્મચારી કુખ્યાત બુટલેગર સાથે ઝડપાઈ હતી: આ ઉપરાંત પૂર્વ કચ્છના વિસ્તારમાં આયુર્વેદિક સિરપના અનેક કેસ પણ નોંધાયા હતા તો જાહેર સ્થળોએ મુકેલ સૂચન પેટીમાં આવેલા પત્રોથી પોલીસે દેહવિક્રયના ધંધાનો પર્દાફાશ કર્યો હતો. તો ગાંધીધામમાં વેપારીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપનારા પત્રકાર સહિત 8 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. મહિલા પોલીસ કર્મચારીએ કુખ્યાત બુટલેગર સાથે એક કારમાં દારૂની મહેફિલ માણતા તેમજ પોલીસ પર ગાડી ચડાવી દેવાનો ગુનો પણ નોંધાયો હતો. વાગડમાં પાણી ચોરી કરતા ખેડૂતો સામે પણ ફરિયાદ નોંધાઈ હતી.
નકલી ઇડીની ટોળકી બનાવીને રેડ પાડનારો કિસ્સો બન્યો ચર્ચાસ્પદ: આદિપુરમાં 13.55 કરોડનું બનાવતી બેંક ખાતાઓનું કૌભાંડ, ઝડપાયું હતું. કાસેઝની કપડાની કંપનીમાં ડમી ગ્રેનેડ, તો મીઠી રોહર નજીક ગોદામમાંથી વિદેશથી આવેલા બે ટન ફૂટેલા કાર્ટીસ, મેઘપર બોરીચીની જીનસ કંપનીમાં ભીષણ આગ, લાખાપરમાં ખેડૂતોએ યુરિયા ભરેલી ગાડી પકડી પાડી હતી. ચુડવા નજીક 1.61 કરોડની સોપારી સાથે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. ગાંધીધામમાં આધેડને હનીટ્રેપમાં ફસાવી 23 લાખ પડાવાયા હતા તો ડ્રગ્સનો જથ્થો પણ અવારનવાર આ વિસ્તારમાં મળી આવ્યો હતો. તો હાલમાં જ નકલી ઇડીની ટોળકી બનાવીને પણ પ્રખ્યાત રાધિકા જ્વેલર્સના માલિકના ઘરેથી ચોરી કરવામાં આવી હતી આમ આવા અનેક કિસ્સાઓ ચર્ચા પણ જગાવી હતી.
આ પણ વાંચો: