અમરેલી : ગત 29 ડિસેમ્બરના રોજ અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પત્ર વાયરલ થયો હતો. આ મામલે અમરેલી પોલીસની વિવિધ ટીમે ત્વરિત કાર્યવાહી કરી ચાર આરોપીની ધરપકડ કરી છે.
કૌશિક વેકરીયા વિરુદ્ધ ડુપ્લીકેટ પત્ર કાંડ : તાજેતરમાં અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના લેટર પેડ પર ધારાસભ્ય કૌશિક વેકરીયા વિરુદ્ધ લખાણ કરીને પોલીસ પાસેથી 40 લાખનો હપ્તો લેતા હોવાના આક્ષેપ સાથે સોશિયલ મીડિયા પર પત્ર વાયરલ થયો હતો. આ અંગે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખે અમરેલી SP સંજય ખરાતને મળીને રજૂઆત કરી હતી.
કિશોર કાનપરિયાએ કર્યો ચોંકાવનારો ખુલાસો : કિશોર કાનપરિયાએ જણાવ્યું કે, મારા નકલી લેટર પેડ અને સિક્કો બનાવીને કોઈ શખ્સ દ્વારા કૌશિક વેકરીયા વિરુદ્ધ લખાણ કર્યું છે. આ અંગે અમરેલી પોલીસમાં અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને સાયબર ક્રાઈમ, અમરેલી LCB અને SOG પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. આખરે કૌશિક વેકરીયાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઇરાદે થયેલા કૃત્યનો પોલીસે પર્દાફાશ કર્યો હતો.
કોની કોની સંડોવણી ? ભાજપના નેતા કૌશિક વેકરીયાને બદનામ કરવા ભાજપના જ નેતાએ કાવતરું કર્યું હોવાનું બહાર આવ્યું હતું. જેમાં અમરેલી યુવા ભાજપના પૂર્વ પ્રમુખ મનીષ વઘાસીયા મુખ્ય આરોપી નીકળ્યા હતા. સાથે અમરેલીના જસવંતગઢના સરપંચ અશોક માંગરોળીયા, જીતુ બાવચંદ ખાત્રા અને વિઠલપુરના રહેવાસી કોમ્પ્યુટર ઓપરેટ કરતી યુવતીની પણ સંડોવણી સામે આવી હતી.
ડુપ્લીકેટ પત્ર કાંડના ચાર આરોપી ઝડપાયા : પોલીસ તપાસમાં આ લોકોના નામ ખુલતા 4 આરોપીની અટકાયત કરવામાં આવી હતી. અમરેલી SP સંજય ખરાત આરોપીને મીડિયા સમક્ષ આવ્યા હતા. ધારાસભ્ય કૌશિક વેકરીયાને બદનામ કરવા ડુપ્લીકેટ પત્ર કાંડ મામલે આરોપી મનીષ વઘાસીયા સહિતના ચારેય આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આરોપીના મોબાઈલ જપ્ત કરી વધુ તપાસ અને કાર્યવાહી કરવામાં આવી છે.
શા માટે કર્યો ડુપ્લીકેટ લેટર કાંડ ? પોલીસ સામે પોપટ બનેલા મનીષ વઘાસિયાએ શરણાગતિ સ્વીકારી છે. તેઓએ પોતે તાલુકા ભાજપના પ્રમુખ બનવા માટે આ કામ કર્યું હોવાનું સામે આવ્યું છે. અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ માટે સાત દાવેદાર હતા, ત્યારે ગાંધીનગર જઈને મનીષ વઘાસીયાએ પોતે સક્ષમ હોવાની રજૂઆત કરી હતી. જોકે, બાદમાં અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ તરીકે નામ જાહેર ન થતા મનીષ વઘાસીયાએ ડુપ્લીકેટ લેટર કાંડ થકી કૌશિક વેકરીયાને બદનામ કરવા આ ષડયંત્ર કર્યું હોવાનું કબૂલ્યું છે.