ભારત વર્ષની આઝાદીને સાત દાયકા વિતિ જવા છતાં હાલ પણ ગ્રામ્ય કક્ષાએ જાતિ વચ્ચેના ભેદભાવો યથાવત્ જોવા મળી રહ્યાં છે. આવું જ એક ઉદાહરણ સાબરકાંઠા જિલ્લામાં જોવા મળ્યું. સમરસતાની વાતો વચ્ચે પ્રાંતિજ તાલુકાના સીતવાડા બોરીયા ગામમાં દલિત સમાજનો વરઘોડો કાઢવા બાબતે ગ્રામજનોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. તેના કારણે ગામમાં દલિત સમાજ અને ગ્રામજનો વચ્ચે મતમતાંતર થતા વાતાવરણ ઉગ્ર બન્યુ હતુ. બંને સમાજ સામસામે આવી જતા પરિસ્થિતિ વણસી હતી. આ ઘટનાની જાણ પોલીસ વિભાગને થતાં સમગ્ર જિલ્લાની પોલીસ દોડતી થઈ હતી. તેમજ પોલીસ સુરક્ષા વચ્ચે દલિત સમાજના લોકોએ પોતાના વરઘોડો ગામમાં ફેરવ્યો હતો.
પોલીસ પ્રોટેક્શનના કારણે શાંતિમય માહોલમાં વરઘોડો પૂર્ણ થયો હતો. મોટી સંખ્યામાં પોલીસ જવાનો આ ગામમાં ઠાલવી દેવાના કારણે ગામમાં પુનઃ શાંતિ સ્થપાઈ હતી.
આ પ્રકારની ઘટનાઓ સભ્ય સમાજ અને આઝાદ ભારત માટે શરમજનક હોવાથી લોકો જાતિવાદને પાછળ મૂકી નવા ભારત તરફ આગળ વધે, ઉપરાંત જાગૃતતા કેળવી સામાજિક સુધારા તરફ આગેકુચ કરે તે જરુરી બન્યું છે.