રાજકોટઃ રાજકોટમાં હાર્ટએટેકના કારણે નવયુવાનોમાં મોતની ઘટના સામે આવી રહી છે. ત્યારે શહેરના શાસ્ત્રી મેદાનમાં ક્રિકેટ રમીને પરત ઘરે જઈ રહ્યા યુવાને હાર્ટએટેક આવ્યો હતો. જે રસ્તામાં બેભાન થઈ ગયો હતો. ત્યારે 108ની ટિમ દ્વારા ઘટના સ્થળે આવીને તપાસ કરવામાં આવતા યુવાન મોતને ભેટી ચુક્યો હતો. ઉલ્લેખનીય છે કે આ યુવાન ડીસાથી રાજકોટ પોતાની બહેનના દીકરાના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યો હતો અને રાજકોટમાં તેનું હાર્ટઅટેકના કારણે મોત થયું છે.
ક્રિકેટ રમીને ઘરે જઈ રહ્યો હતો : યુવાન ભરત બારૈયા નામનો યુવાન રાજકોટમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યો હતો. ત્યારે આજે વહેલી સવારે તે શહેરના શાસ્ત્રી મેદાન ખાતે પોતાના પરિવારજનો અને મિત્રો સાથે ક્રિકેટ રમવા માટે ગયો હતો. ત્યારે ક્રિકેટ રમીને ઘર પરત ફરતા સમયે અચાનક તેને ચક્કર આવવા માંડ્યા હતા અને તે બેભાન થઈ ગયો હતો. જ્યારે તેની સાથે રહેલા પરિવારજનો અને મિત્રોએ તાત્કાલિક 108ને ફોન કર્યો હતો અને 108ની ટીમ ઘટના સ્થળે આવી ત્યારે આ યુવાનને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જો કે રાજકોટમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા યુવાનનું મોત થવાને લઈને પરિવારજનો પર આભ ફાટ્યું છે.
મૃતકને કોઈ ગંભીર બીમારી નહોતી : પ્રાથમિક વિગતોમાં જાણવા મળી રહ્યું છે કે ભરત બારૈયા નામના 40 વર્ષના યુવાને કોઈપણ જાતની બીમારી નહોતી અને તે આજે વહેલી સવારે ક્રિકેટ પણ સારી રીતે રમી રહ્યો હતો. પરંતુ ક્રિકેટ રમ્યા બાદ અચાનક તેની તબિયત ખરાબ થઈ હતી અને તેને ચક્કર આવવા લાગ્યા હતા. ત્યારબાદ તે બેભાન અવસ્થામાં થઈ ગયો હતો અને ભરત મૃત્યુ પામ્યો હતો. જ્યારે ભરતના મોતને લઈને પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે આવીને તેના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
કોઈએ રસ્તામાં રીક્ષા ઉભી રાખી નહી : આ અંગે મૃતકના પરિવારજન જ્યેશે જણાવ્યું હતું કે મને પહેલા ફોન આવ્યો હતો કે ભરતને ચક્કર આવે છે તું તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં આવ. જ્યારે આ લોકો સવારે વહેલા શાસ્ત્રી મેદાન ખાતે ક્રિકેટ રમવા માટે ગયા હતા. ત્યાંથી ક્રિકેટ રમીને રોડ પર ચાલતા ચાલતા આવતા હતા તે દરમિયાન ભરતને ચક્કર આવ્યા હતા. જેના કારણે તે પડી ગયો હતો. એવામાં સાથે રહેલા પાંચેક મિત્રોએ રસ્તામાં તાત્કાલિક રીક્ષા ઉભી રાખવાની કોશિશ કરી હતી પરંતુ કોઈએ રીક્ષા ઉભી રાખી નહોતી. ત્યારબાદ 108 બોલાવી અને 108ની ટિમ દ્વારા તપાસ બાદ ભરતને ડેડ જાહેર કર્યો હતો.