- માનકેશ્વર મંદિરની બાજુમાં રજીસ્ટ્રેશન કાર્યાલયથી શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત
- કોઈ પણ જાતનો પ્રસાદ મંદિરમાં સાથે લઈ જવાની મનાઈ
- મંગલ મંદિરના દ્વાર અને અન્નક્ષેત્ર બન્ને ફરી દર્શનાર્થીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યાં
રાજકોટ: 'દેને કો ટુકડા ભલા લેને કો હરી કા નામ' સૂત્રને જીવનમંત્ર બનાવનારા પૂજ્ય જલારામબાપાનું નીજ મંદિર 200 વર્ષથી શ્રદ્ધાળુઓ માટે ક્યારેય બંધ રહ્યું નહોતું, પરંતુ કોરોના મહામારીના કારણે મંદિર લોકદર્શનાર્થે બીજીવાર બંધ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સંક્રમણનું પ્રમાણ ઓછું થતાં આજે ગુરુવારથી મંગલ મંદિરના દ્વાર અને અન્નક્ષેત્ર બન્ને દર્શનાર્થીઓ માટે ફરી ખુલ્લા મૂકવામાં આવ્યાં છે. જેમાં દર્શન અને પ્રસાદ માટે સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરી સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનની અને સેનિટાઈઝરની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક દર્શનાર્થીઓને સૌ પ્રથમ વિરપુરમાં આવેલા માનકેશ્વર મંદિરની બાજુમાં રજીસ્ટ્રેશન કાર્યાલયથી પોતાનું રજીસ્ટ્રેશન કરાવી ટોકન મેળવીને સેનિટાઈઝ ચેમ્બરમાં સેનેટાઇઝ થયા બાદ જ મંદિરમાં પ્રવેશ મળી શકશે. આ ઉપરાંત મોઢા પર માસ્ક બાંધવું પણ ફરજીયાત કરવામાં આવ્યું છે.
જલારામ મંદિરના શ્રદ્ધાળુઓને દર્શનનો સમય
દર્શનનો સમય સવારે 7થી બપોરના 1 અને ત્યારબાદ 1થી 3 વિરામ અને 3થી સાંજના 7, ત્યારબાદ અડધો કલાક આરતી. જેમાં કોઈ દર્શનર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં અને 7:30થી રાત્રીના 9 વાગ્યા સુધી દર્શન કરી શકાશે, જ્યારે પ્રસાદનો સમય સવારે 10થી 1 અને સાંજે 6:30થી રાત્રીના 8:30 કલાક રાખવામાં આવ્યો છે.
બાળકો, વૃદ્ધો અને સગર્ભાને પ્રવેશ નહીં
મંદિરમાં 10 વર્ષથી નીચેની વયના તેમજ 60 વર્ષથી ઉપરની વયના વૃદ્ધો તેમજ સગર્ભા મદિરમાં પ્રવેશ મળી શકશે નહીં. આ ઉપરાંત કોઈ પણ જાતનો પ્રસાદ મંદિરમાં સાથે લઈ જવાની મનાઈ કરવામાં આવી છે. આ સાથે જ દર્શનાર્થીએ સરકારની આગલી ગાઈડલાઈન સુધી પોતાના બુટ, ચપ્પલ અને મોબાઈલ વગેરે વસ્તુ મંદિરની બહાર મૂકીને દર્શન માટે આવવાનું રહેશે.