રાજકોટ : ઉપલેટા તાલુકાના ચીખલીયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટેની એસટી વિભાગ દ્વારા બસની સુવિધા અચાનક બંધ કરી દેવામાં આવી છે. બસ બંધ કરી દેવામાં આવતા અંદાજે પચાસેક જેટલા વિદ્યાર્થીઓ છેલ્લા દસ દિવસથી મુશ્કેલી વેઠી રહ્યા છે. જેના પરિણામે હાલ આ વિદ્યાર્થીઓના અભ્યાસ અને શિક્ષણ ઉપર ગંભીર અસર પડી રહી છે. આ સમસ્યા ઉપલેટા તાલુકા વિસ્તારની અંદર સામે આવી રહી છે.
પાસની રકમ પાણીમાં : આ અંગે ચીખલીયા ગામના રહેવાસી અને બાળકના વાલી નિર્મળાબેન સોલંકીએ ETV BHARAT સાથેની ખાસ વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું છે કે, એસ.ટી. વિભાગ દ્વારા તેમની પાસેથી બસના અપડાઉન માટેના પાસના રકમની વસુલાત કરવામાં આવી છે. પરંતુ ભાડાની વસુલાત બાદ હાલ બસની સુવિધા નથી આપવામાં આવતી. જેના કારણે તેમને ચૂકવેલ રકમ વેડફાટ થઈ રહી હોવાનું વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ જણાવે છે.
અહીંયા છેલ્લા દસ દિવસથી ઉપલેટા એસ.ટી. ડેપો દ્વારા બસ બંધ કરી દેવામાં આવી છે. બસ બંધ કરવાનું કારણ ખરાબ રસ્તો હોવાનું જણાવ્યું છે. બસ બંધ કરી દેવામાં આવતા હાલ અહીંયા વિદ્યાર્થીઓ મુશ્કેલી વેઠી રહ્યા છે.-- નિકિતા સોલંકી (વિદ્યાર્થીની)
4 કિમી ચાલવું પડ્યું : બસ બંધ હોવાના પરિણામે વિદ્યાર્થીઓ અંદાજે ચાર કિલોમીટર ચાલીને અન્ય ગામ સુધી જઈ રહ્યા છે. ઉપરાંત અહીંયા હાલ ચોમાસા દરમિયાન વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓને અનેક પ્રકારની સમસ્યાઓ છે. તકલીફ તેમજ ભયના ઓળા હેઠળ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે જોખમો પણ લેવું પડી રહ્યું છે.
અભ્યાસ સાથે ચેડાં : ઉપલેટા તાલુકાના ચીખલીયા ગામ તેમજ આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ચાલતી કાયમી બસ અચાનક બંધ કરી દેવામાં આવી. ખરાબ રસ્તાના કારણે બસ બંધ કરી દેવામાં આવી હોવાના બહાના એસ.ટી. વિભાગે કર્યા હોવાની વાત વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ જણાવી રહ્યા છે. સરકારના "સૌ ભણે, સૌ કોઈ આગળ વધે" સૂત્રને ઉપલેટા એસ.ટી. ડેપો પડકાર આપી આપી રહ્યું હોય તેમ લાગે છે. ત્યારે જવાબદારીને અવગણીને વિદ્યાર્થીઓના અભ્યાસ અને તેમના કારકિર્દીની સાથે ચેડાં થઈ રહી હોવાનું સામે આવ્યું છે.
આંદોલન ચીમકી : આ સમગ્ર બાબતે વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી છે. જો સોમવારથી બસ સુવિધા શરૂ નહીં કરવામાં આવે તો વિદ્યાર્થીઓ અભ્યાસ માટે શાળાએ જ જવાનું બંધ કરી દેશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત પણ કાર્યવાહી નહીં થાય તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. તેવું પણ વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓએ જણાવ્યું છે.