રાજકોટઃ શહેરમાં આવેલી સરકારી શાળામાં બાળકો પાસેથી સાફ સફાઈ કરાવવામાં આવતી હોવાની ઘટના સામે આવી છે. આ અંગેનો એક વીડિયો વાઈરલ થતાં તંત્ર દોડતું થયું હતું. આ ઘટના છે રાજકોટની શાળા નંબર 81ની અહીં વિદ્યાર્થીઓ શાળાના છજા પર ચડીને સફાઈ કરી રહ્યા હતાં.
આ પણ વાંચો Education Controversy: ચૈતન્ય ટેકનો શાળા શરૂ થાય તે પહેલા જ વિવાદ, પ્રવેશ મામલે મોટી બ્રેક
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ આપ્યા તપાસના આદેશઃ શહેરમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન સંચાલિત શાળા નંબર 81નો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, શાળામાં વિદ્યાર્થીઓને છજા ઉપર ચડાવવામાં આવ્યા છે. તેમજ ત્યાં સાફસફાઈ કરાવવામાં આવી રહી છે. આ વીડિયો વાયરલ થતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. એવામાં આ વિદ્યાર્થીઓ ઉપરથી નીચે પટકાયા હોત અથવા તો કોઈ અનીચ્છનીય બનાવ બન્યો હોત તો જવાબદાર કોણ તેવા પણ પ્રશ્નો થઈ રહ્યા છે. ત્યારે આ વીડિયોને લઈને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તપાસના આદેશ જાહેર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો Rajkot News : કડકડતી ઠંડીમાં 8 વાગ્યા પછી શાળા શરૂ કરવાનો આદેશ
સાવરણી લઈને ચડાવ્યા છજા કરી સાફસફાઈઃ નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત શાળા નંબર 81માં 2 વિદ્યાર્થીઓને શાળાના છજા ઉપર ચડાવવામાં આવ્યા હતા. જ્યારે સાવરણી લઈને આ બંને વિદ્યાર્થીઓ છજા ઉપર સાફસફાઈ કરતા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઇલમાં કેદ કરવામાં આવ્યો હતો અને તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થતાં તાત્કાલિક શાસનાધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આ મામલે તપાસ શરૂ કરી હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે કે, આ બંને વિદ્યાર્થીઓ આ શાળાના નથી, પરંતુ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
તપાસ બાદ શિક્ષાત્મક કાર્યવાહી થશે: શાસનધિકારીઃ જ્યારે ઘટના મામલે રાજકોટના શાસનધિકારી કિરીટસિંહ પરમારે જણાવ્યું હતું કે, આ વીડિયો મેં પણ જોયા છે અને બાળકોને શાળાના છજા ઉપર ચડાવવાની ઘટનાની તપાસને લઈને હું હજુ શાળા ખાતે પહોંચ્યો છું. આ ઘટનાને લઈને હું શાળાના આચાર્ય અને શિક્ષકો સાથે બેઠક કરીશ. જ્યારે વીડિયોમાં જે પ્રમાણે દેખાઈ રહ્યું છે તેમ જો કોઈ પણ કર્મચારી કસૂરવાર ઠરશે તો અમે તેમની વિરુદ્ધ પણ શિક્ષાત્મક કાર્યવાહી કરશું. જ્યારે શાળાના આચાર્યએ કહ્યું હતું કે, આ બાળકો શાળાના નહીં, પરંતુ બહારના છે અને હું આ ઘટના અંગેની તપાસ કરી રહ્યો છું અને તપાસ બાદ જ ઘટનાની હકીકત સામે આવશે.