રાજકોટ: રાજકોટ અને સૌરાષ્ટ્રમાં જો નાસતા માટે સૌથી વધુ કોઈ વસ્તુ ખવાતી હોય તો તે છે ગાંઠિયા. રાજકોટમાં માત્ર રૂ.5માં અનલિમિટેડ ગાંઠિયા મળી રહ્યા છે. શહેરના મવડી ચોકડી નજીક આ અનલિમિટેડ ગાંઠિયા સેન્ટર ખોલવામાં આવ્યું છે. જેમાં સિનિયર સીટીઝનોને માત્ર રૂ.5માં અનલિમિટેડ ગાંઠિયા આપવામાં આવે છે. જેમાં ચા અને સંભારો અને જલેબી પણ નિશુલ્ક આપવામાં આવી રહ્યો છે. કોઈ વૃદ્ધ પાસે પૈસા ન હોય તો તેમને આ સંસ્થા નિશુલ્ક ગાંઠિયા સહિતનો નાસ્તો કરાવે છે.
'અહીંયા અમને જરૂરિયાત મંદ અને વૃદ્ધ લોકોને માત્ર રૂ.5માં અનલિમિટડ ગાંઠિયા સાથે નાસ્તો કરાવીએ છીએ. આ સેવા અંદાજિત દોઢ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 50 હજાર કરતાં વધુ લોકોએ આ સેવાનો લાભ લીધો છે. અમે અહીંયા રૂ.5માં નાસ્તા સાથે લોકોને રાહત દરે બે ટાઇમનું ભોજન પણ આપીએ છીએ. અહીંયા અઠવાડિયામાં બે દિવસ એટલે કે શની અને રવિવારે અમે લોકોને માત્ર રૂ.5માં અનલિમિટડ ગાંઠિયા સાથે નાસ્તો આપીએ છીએ.' -મનસુખ ભાઈ, ટ્રસ્ટી, ગીતા ચેરીટેબલ ટ્રસ્ટ
નિશુલ્ક નાસ્તો: મનસુખભાઈ વધુમાં જણાવ્યું હતું કે અહીંયા શનિવાર અને રવિવાર એમ બે દિવસ માટે દરરોજ 300થી વધારે લોકો આવે છે અને નાસ્તો કરે છે. તેમના માટે અમે દરરોજ 40થી 50 કિલો ચણાના લોટના ગાંઠિયા બનાવીએ છીએ. જ્યારે ગાંઠિયા સાથે ચા, જલેબી અને મરચા પણ અલગ આપીએ છીએ. આ સાથે જ અમે અન્ય સેવાઓ પણ કરીએ છીએ. જેમાં નિસહાય વૃદ્ધોના નિશુલ્ક ટિફિન ઘરે પહોંચાડીએ છીએ.
'હું અહીંયા છેલ્લા 1 વર્ષથી આવું છું અને મને અહીંયા સારું લાગે છે. જ્યારે હાલ બહાર તમે જોવ તો અંદાજિત 300 રૂપિયાના એક કિલો ગાંઠિયા મળે છે પરંતુ અહીંયા માત્ર રૂ 5માં જેટલા ગાંઠિયા ખાવા હોય તે ખાઈ શકો છે અને સાથે ચા તેમજ જલેબી અને નાસ્તો મળી રહે છે. ત્યારે અહીંયા દરરોજ 300 જેટલા લોકો મારી જેવ ગાઠીયા ખાવા માટે આવે છે. જ્યારે અહીંયા કાર્યકર્તાઓ પણ લોકોનું ખુબ જ ધ્યાન રાખે છે.' -લક્ષ્મણભાઈ વાળા, લાભાર્થી
ટિફિન સેવા પણ ઉપલબ્ધ: મનસુખભાઈ વધુમાં જણાવ્યું હતું કે અમારા સંજીવની હોસ્પિટલમાં પણ રાહત દરે દર્દીઓની સારવાર કરવામાં આવે છે. અમે નક્કી કર્યું છે આગામી 2025 સુધીમાં વૃદ્ધો માટે 50થી વધુ આ પ્રકારના નાસ્તા સેન્ટર શરૂ કરીશું અને અમે 300 ગામોમાં ટિફિન સેવા કરીને ભૂખ્યા અને નિસહાય લોકોને જમાડશું.