હાલ ધોરાજી નગરપાલિકા વોર્ડ નંબર-6 અને ભુતનાથ મંદિર વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના માથાનો દુખાવો બની છે. ભૂગર્ભ ગટરની ચેમ્બરો હંમેશા પાણીથી છલકાતી રહે છે. જેથી સ્થાનિકો અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ભૂતનાથ મંદિર તથા સ્મશાનનો રસ્તો તથા આજ વિસ્તારમાંથી નીકળતા ત્યાં રહેતા લોકોને તકલીફો પડી રહી છે.
ભૂગર્ભ ગટરમાં ઉભરાતું પાણી મુખ્ય માર્ગ પર ફળી વળે છે અને ગંદકીનું સામ્રાજ્ય ખડકાયેલુ જોવાં મળે છે. આ મુદ્દે જવાબદાર તંત્રને અનેક વખત રજુઆત કરવા છતાં, તેનું નિરાકરણ આવતું નથી. કોન્ટ્રાક્ટરો કે, જવાબદાર તંત્ર થુંકનાં સાંધા કરીને વેઠ ઊતારી ચાલ્યા જાય છે અને કાયમીની સમસ્યા ઉભી રહે છે.