રાજકોટ: મન હોય તો માળવે જવાય... આ પંક્તિને સાર્થક કરી છે રાજકોટના સ્મિત ચાંગેલા નામના દિવ્યાંગ યુવકે. તેણે ખૂબ જ ઓછી સેકન્ડોમાં મોબાઇલમાં વધારામાં વધારે શબ્દો પોતાના નાક વડે ટાઈપ કર્યા હતા. જેના કારણે તેની નોંધ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા લેવામાં આવી હતી. આજે યુવાને નાક વડે ટાઇપિંગ કરવામાં મહારથ હાંસલ કરી છે.
લોકડાઉનમાં કરી હતી શરૂઆત: સ્મિત ચાંગેલા બાળપણથી જ ન્યુરોપેથી નામના રોગથી પીડાય છે. કોરોનાકાળ દરમિયાન તેણે નાક વડે ટાઇપિંગની શરૂઆત કરી હતી. જેના કારણે તેેને ધીમે ધીમે નાક વડે ટાઈપિંગ કરવામાં એટલી ફાવટ આવી ગઈ કે હવે ખૂબ જ સ્પીડમાં નાક વડે ટાઈપિંગ કરી શકે છે. આ યુવાન દિવ્યાંગ છે છતાં પણ તે બીજા યુવાનોને પ્રેરણા મળે તે પ્રકારનું કામ કરી રહ્યો છે. સ્મિત હાલ રાજકોટની આત્મીય કોલેજમાં બીકોમનો અભ્યાસ કરી રહ્યો છે અને સાથે સાથે યુપીએસસીની પરીક્ષાની પણ તૈયારી કરી રહ્યો છે.
' હું મારા નાકના ટેરવા વડે મોબાઇલમાં ટાઈપ કરું છું. તેમજ હું એટલી સ્પીડમાં ટાઈપિંગ કરું છું કે મારી સાથે જે વ્યક્તિ સામે વાતચીત કરતી હોય તો તેને પણ ખ્યાલ નથી આવતો કે હું હાથ વડે ટાઈપ કરું છું કે નાક વડે. જ્યારે કોરોના સમયે લોકડાઉન હતું તે દરમિયાન મેં આ નાકના ટેરવા વડે ટાઈપિંગ કરવાની શરૂઆત કરી હતી. હું સામાન્ય રીતે હાથથી ટાઈપિંગ કરતો જેના કારણે મારા હાથ દુખવા લાગતા હતા. જેથી મેં નાકના ટેરવા વડે ટાઈપિંગ કરવાની શરૂઆત કરી હતી.' - સ્મિત ચાંગેલા
અન્ય દિવ્યાંગ લોકોને આપ્યો મેસેજ: સ્મિતે વધુમાં જણાવ્યું હતું કે તાજેતરમાં જ મને ઇન્ડિયા બુક્સ ઓફ રેકોર્ડ દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો છે. જેમાં મેં 1 મિનિટમાં 151 કેરેક્ટર અને 36 જેટલા શબ્દો મેં મારા નાકના ટેરવા વડે ટાઈપ કર્યા હતા. સ્મિતે અન્ય દિવ્યાંગ લોકોને મેસેજ આપતા જણાવ્યું હતું કે મારા જેવા અનેક દિવ્યાંગ યુવકો છે પરંતુ તેઓ ક્યાંક ને ક્યાંક પોતાના જીવનમાં હતાશ થઈ જાય છે અને કોઈપણ નવી પ્રવૃત્તિઓ કરતા નથી, ભણવામાં પણ રસ દાખવતા નથી તેવા લોકોએ હિંમત હારવી જોઈએ નહીં અને વધારામાં વધારે અભ્યાસ કરવો જોઈએ અને નવી નવી પ્રવૃત્તિઓ કરતા કરતાં આગળ વધતા રહેવું જોઈએ.