રાજકોટઃ ગોંડલ તાલુકામાં પરપ્રાંતિય મજૂરો ખેત મજૂરી કરી જીવન નિર્વાહ કરતા હોય છે, ત્યારે તાલુકાના પાટખીલોરી ગામે ધીરુભાઈ ખાતરાની વાડીએ રમેશ રાવત અને રમેશ બામણાનો શ્રમિક પરિવાર ખેત મજૂરી કરીને રહે છે.
બપોરના સુમારે રાહુલ રમેશ રાવત અને જ્યોતિ રમેશ બામણા નામના બે બાળકો પાણી ભરેલા ખાડામાં લપસી પડતા બૂમાબૂમ કરી હતી. જેની જાણ નજીકના ખેતરમાં કામ કરતા ખેડૂતને થતા તેઓએ તરત જ પાણીમાં ઝંપલાવી બાળકોને બહાર કાઢ્યા હતા. દરમિયાન રાહુલનું મોત થયું હતું જ્યારે જ્યોતિનો બચાવ થયો હતો.
આ બનાવની જાણ તાલુકા પોલીસને થતા પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. ગ્રામજનોમાંથી જાણવા મળતી વિગતો મુજબ બાળકો શૌચક્રિયા બાદ હાથ ધોવા પાણીના ખાડા પાસે પહોંચ્યા હતા ત્યારે પગ લપસી જતાં આ દુર્ઘટના બની હતી.