રાજકોટ: હાલ ચોમાસુ ચાલી રહ્યું છે. એવામાં નદીમાં ડૂબવાની ઘટનામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટની ભાગોળે આવેલા આજીડેમમાં બે તરુણીના ડૂબી જવાના કારણે મોત થયા છે. આ બંને તરુણીના મૃતદેહ ફાયર વિભાગ દ્વારા આજીડેમમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તેમજ તેને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. જ્યારે આ મામલાની તપાસ આજીડેમ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને તરુણીઓ ડેમમાં ન્હાવા માટે ગઈ હતી તે દરમિયાન આ પ્રકારનો બનાવ બન્યો છે.
પરિવાર સાથે ડેમમાં ન્હાવા ગઈ હતી: સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો રાજકોટના આજીડેમ ખાતે બે કિશોરીઓ તેના પરિવાર સાથે નહાવા માટે ગઈ હતી. જે દરમિયાન બંને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને પાણીમાં ડૂબી જવાના કારણે બંને કિશોરીઓના મોત નીપજ્યા છે. બે તરુણીના મોત થતા આજીડેમ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.
એક જ પરિવારની બે કિશોરીઓના મોત: પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે શહેરના આજી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં રહેતા નેપાળી પરિવારની મુમતાજ પરિહાર અને હીર પરિહાર નામની 12 તેમજ 13 વર્ષની તરુણીઓના પાણીમાં ઊંડા પાણીમાં ગરક થવાના કારણે મોત થયા છે. આ બંને તરુણીઓ એક જ પરિવારની છે અને સાંજના સમયે તે પરિવારના અન્ય સભ્યો સાથે આજીડેમ ખાતે ગઈ હતી તે દરમિયાન આ પ્રકારની ડૂબવાની ઘટના બની હતી.
તંત્ર પર સવાલ: આજી ડેમમાં ન્હાવા જવાના કારણે બે કિશોરીઓના મોત થયા છે. તંત્રની કામગીરી ઉપર પણ સવાલો ઊભા થાય છે. હાલ ચોમાસુ છે એવામાં આ વર્ષે સારો વરસાદ થયો છે. જેના કારણે રાજકોટની આસપાસના નદી તળાવમાં પણ નવા નીર આવ્યા છે. રાજકોટના આજી ડેમમાં પણ હાલ ભારે પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. અહીંયા રવિવારે મોટા પ્રમાણમાં લોકો તેમના પાણીની નજીક જતા હોય છે. એવામાં જો ડૂબવાની ઘટના સર્જાય તો જવાબદાર કોણ તેવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. હાલ તો આ સમગ્ર મામલે હવે આજીડેમ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.