રાજકોટ: રાજકોટ સહિત રાજ્યભરના સસ્તા અનાજની દુકાન ધારકોમાં પડતર માંગને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે. જેને પગલે આજે રાજકોટ જિલ્લા કલેકટરને સસ્તા અનાજની દુકાનના વેપારીઓએ આવેદનપત્ર પાઠવ્યું હતું. પડતર માંગણીઓને તાત્કાલિક સ્વીકારવાની માંગ કરી હતી. જો આ વેપારીઓની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સસ્તા અનાજની દુકાન ધારકો અચોક્કસ મુદતની હડતાલ કરશે. તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જ્યારે આગામી દિવસોમાં જન્માષ્ટમી સહિતના તહેવારો નજીક છે. એવામાં સસ્તા અનાજની દુકાન ધારકો દ્વારા હડતાલની ચીમકીથી ઉચ્ચારવામાં આવતા ચકચારમાંથી જવા પામી છે.
"આજે 1 તારીખથી સમગ્ર ગુજરાતના અંદાજી 17000 કરતાં વધુ સસ્તા અનાજની દુકાનદારો અસહકારની લડતમાં જોડાયેલા છે. ત્યારે અમારી માંગણી છે કે સસ્તા અનાજની દુકાન ધરાવતા વેપારીઓને તમામ વસ્તુઓના પોષણક્ષમ ભાવ આપવામાં આવે, જ્યારે ચૂંટણી પહેલા અમે આ મામલે સરકારને રજૂઆત કરી હતી. તે સમયે ચૂંટણી હોય ત્યારે સરકાર દ્વારા ચૂંટણી બાદ અમારી રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું.."--માવજીભાઈ રાખસીયા (રાજકોટ સસ્તા અનાજની દુકાનના એસોસિયેશનના પ્રમુખ)
તહેવારોમાં લોકોને થશે હાલાકી: વેપારીઓએ વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં જન્માષ્ટમી સહિતના તહેવાર છે. ત્યારે અમને પણ એવું લાગી રહ્યું છે કે આ તહેવાર દરમિયાન સામાન્ય લોકો દુઃખી ન થાય પરંતુ સરકાર દ્વારા અમારી રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવતી નથી. જેના કારણે અમારે ના છૂટકે અસહકાર લડતમાં જોડાવું પડી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આજે રાજકોટ શહેર અને જિલ્લાના સસ્તા અનાજની દુકાન ધારકો મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટર કચેરીએ આવી પહોંચ્યા હતા. જ્યાં તેમના જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને પોતાની પડતર માગણી માગણી રજૂઆત કરી હતી. ત્યારે હવે તેમના દ્વારા અસહકારની લડત શરૂ કરવામાં આવી છે.