- તહેવાર દરમિયાન રાજકોટમાં પાણી સમસ્યા સર્જાઇ શકે છે
- રાજકોટના વિવિધ ડેમોમાં આગામી થોડા દિવસ સુધી ચાલે તેટલું જ પાણી બચ્યું છે
- રાજકોટના વિવિધ ડેમોમાં પાણીનો સ્ત્રોત ઘટતો જઇ રહ્યો છે
રાજકોટઃ હાલ ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસાદ પાછો ખેંચાયો છે. જેને લઈને વાવણી બાદ ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. એવામાં રાજકોટમાં જન્માષ્ટમી તહેવાર દરમિયાન પાણીની સમસ્યાનો શહેરીજનોએ સામનો કરવો પડી શકે છે. હાલ રાજકોટના વિવિધ ડેમોમાં આગામી થોડા દિવસ સુધી ચાલે તેટલું જ પાણી બચ્યું છે. જ્યારે મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર પાસે સૌની યોજના મારફતે નર્મદાના નીરની માંગણી કરી છે. જે હજુ સુધી આવ્યું નથી. જ્યારે આગામી બે દિવસમાં જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે. જેને લઈને તહેવાર દરમિયાન રાજકોટમાં પાણી સમસ્યા સર્જાઇ શકે છે.
આ પણ વાંચો- CM Vijay Rupani: રાજકોટને નર્મદાનું પાણી આપવાનો મુખ્યપ્રધાને કર્યો આદેશ
આજી ડેમમાં માત્ર 27 ટકા જ પાણી બચ્યું
રાજકોટના જીવાદોરી સમાન એવા આજી ડેમમાં હાલ માત્ર 27 ટકા જેટલુ જ પાણી વધ્યું છે. જે આગામી 8થી 10 દિવસ સુધી ચાલે તેટલું જ છે. જ્યારે 15 દિવસ અગાઉ મનપા દ્વારા મુખ્યપ્રધાનને રાજકોટના ડેમની સ્થિતિની જાણ કરીને સૌની યોજના મારફતે નર્મદાના નિરની માંગણી કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી નર્મદાનું નીર આવ્યું નથી. જ્યારે આગામી દિવસોમાં જન્માષ્ટમી સહિતના તહેવારો નજીક છે. એવામાં રાજકોટના વિવિધ ડેમોમાં પાણીનો સ્ત્રોત ઘટતો જઇ રહ્યો છે.
શહેરમાં દૈનિક 1.50 MCFT પાણીની વિતરણ
હાલ રાજકોટમાં દૈનિક 1.50 MCFT પાણીનું વિતરણ કરવામાં આવે છે. જ્યારે સૌની યોજના મારફતે મનપા દ્વારા નર્મદાના 335 MCFT નિરની માંગણી કરવામાં આવી છે. જ્યારે હાલ આજીમાં 231 MCFT, ભાદરમાં 1950 MCFT અને ન્યારીમાં 555 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જેમાં રાજકોટ માટે સૌથી વધુ પાણીનો જથ્થો આજી ડેમમાંથી ઉપાડવામાં આવે છે. જેને લઈને હાલ સૌથી ઓછો પાણીનો જથ્થો આજી ડેમમાં જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો- સૌની યોજના મારફતે નર્મદાના નીર ફરી પહોંચ્યા રાજકોટ
આગામી એક અઠવાડિયામાં નર્મદાનું પાણી આવશે: મેયર
રાજકોટના ડેમોમાં પાણીની સ્થિતિને લઈને મેયર ડો પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, હાલ જે વરસાદની સ્થિતિ છે અને ડેમમાં જે પાણી ભરેલું છે એ જોતાં ભાદર અને ન્યારીમાં આગામી સપ્ટેમ્બર માસ સુધી ચાલે તેટલું પાણી છે. જ્યારે ચાલુ વર્ષે વરસાદ પાછો ખેંચાયો છે અને રાજકોટના લોકોને પીવાના પાણી માટે કોઈ તકલીફ ન થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને આ મામલે ધ્યાન દોર્યું છે. જેને લઈને આગામી એક અઠવાડિયામાં નર્મદાનું પાણી આજી ડેમમાં ઠાલવવામાં આવશે. હાલ 335 MCFT પાણી માંગણી કરવામાં આવી છે.