રાજકોટ: આજીડેમ પોલીસની કથિત કૂટ નિતી સામે ઉપલેટાની અદાલતે લાલ આંખ કરી છે જેમાં ચેક રિટર્નના કેસમાં આરોપી સામે વારંવાર વોરંટ ઇશ્યુ કરવા છતા આરોપીને કોર્ટમાં હાજર કરવાને બદલે આરોપી હાજર ન હોવાનું બતાવતી પોલીસ સામે કોર્ટે કાર્યવાહી કરી છે. રાજકોટ શહેર પોલીસના આજી ડેમ પોલીસ મથકના પી.આઇ.ને કોસ્ટ પેટે તાલુકા કાનૂની સેવા સમિતિ ઉપલેટામાં દિવસ 30 માં 10 હજાર રુપિયાનો દંડ ભરવાનો ઉપલેટા એડિ.સિવિલ જજ એસ.એસ.અજમેરીએ હુકમ કર્યો છે.
આ પણ વાંચો: Acid attack on Minor girl: કર્ણાટકમાં પ્રેમ સંબંધ માટે ઈનકાર કરતા સગીર યુવતી પર એસિડ અટેક
વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું: ઉપલેટા રહેતા 64 વર્ષીય વૃધ્ધે રાજકોટ શહેરના આજી ડેમ વિસ્તારમાં રહેતા શખ્સ સામે વર્ષ 2021માં ઉપલેટા કોર્ટમાં નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબ ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદને પગલે અદાલતે તા.09-03-2021ના રોજ આરોપી સામે સમન્સ ઇશ્યુ કરી આજી ડેમ પોલીસને બજવણી કરવા માટે મોકલી આપવામાં આવ્યુ હતુ તેમ છતા આરોપી ઉપલેટા કોર્ટમાં હાજર નહિ રહેતા 2022માં જામીનલાયક વોરંટ ઇસ્યુ કર્યું હતું પરંતુ પોલીસ દ્વારા વોરંટની બજવણી યોગ્ય રીતે કરી ન હોવાનું જણાયું છે.
વોરંટ ઉપલેટા કોર્ટમાં પરત આવ્યું: કોર્ટે જણાવ્યા મુજાબની કામગીરી નહીં થતાં ઉપલેટા અદાલતે તા.02-11-2022ના રાજકોટ પોલીસ પોલીસ કમિશનર કચેરી મારફતે વોરંટની બજવણી કરવા તેમજ આજી ડેમ પોલીસ મથકને પણ વોરંટ મોકલવામાં આવ્યું હતુ તેમ છતા વોરંટની બજવણી થયા વગર ઉપલેટા કોર્ટમાં પરત આવ્યું હતુ આથી વારંવાર વોરંટ ઇશ્યુ કરવા છતા આરોપીને બજવણી થતી ન હોય તેમજ ન્યાય મેળવવા દોડાદોડી કરતા 64 વર્ષીય વૃધ્ધ ખૂદ રાજકોટ આજી ડેમ પોલીસ મથક આવી વોરંટ પોલીસને હવાલે કર્યુ હતું, ત્યારે તે વોરંટમાં પણ આરોપી હાજર મળી આવ્યો ન હોવાના શેરા સાથે પરત આવ્યું હતુ.
કોર્ટમાં હાજર રહેવા આદેશ: આ બાબતમાં રાજકોટ પોલીસ દ્વારા સંતોષકારક કાર્યવાહી થતી ન થતી હોવાનું સ્પષ્ટ થતા ગત ડિસેમ્બર મહિનામાં આજી ડેમ પોલીસને મેઇલ કરી કોર્ટમાં હાજર રહી ખુલાસો કરવા આદેશ કર્યો હતો પરંતુ કોર્ટના આદેશને પણ જાણે રાજકોટની આજીડેમ પોલીસ ઘોળીને પી ગઇ હોય તેમ પોલીસ અધિકારી હાજર નહિ રહેતા અને કોર્ટની સૂચનાનું ઉલંઘન કરતાં અંતે ઉપલેટા કોર્ટે લાલ આંખ કરીને પકડ વોરંટ ઇશ્યુ કરી ઇન્સાફી કાર્યવાહી માટે જાન્યુઆરીની તારીખ આપી હતી, પરંતુ આ બાબતે જાન્યુઆરીમાં પણ આજી ડેમ પોલીસ મથકના કોઇ અધિકારી હાજર નહિ રહેતા અદાલતે તા.16-02-2023 સુધી ઇન્સાફી કાર્યવાહી માટે મુલતવી રાખી હતી.
પોલીસ મથકના મેલ પર નોટિસ: આ કેસમાં આરોપી સામે અદાલતે વોરંટ, પક્કડ વોરંટ, પોલીસ મથકના મેલ પર નોટિસ પણ મોકલવામાં આવી હતી તેમ છતા વોરંટની એક પણ વખત બજવણી નહિ થતા પરત ફરતા હતા ત્યારે આ પરત આવેલા વોરંટમાં વ્યક્તિ હાલમાં હાજર મળી આવેલ ન હોવાથી વગર બજે પરત કર્યુ છે. તેવું જણાવવામાં આવતુ હતુ, ત્યારે આ બાબતમાં વોરંટ પરત કરનાર કોઇ પણ પોલીસ કે અધિકારીનું નામ કે હોદ્દો અને તેમનું સરનામુ પણ પોલીસ દ્વારા લખવામાં આવ્યું નહીં હોવાનું કોર્ટ શમક્ષ આવ્યું છે.
આદેશની કરાઈ અવગણના: આ કેસમાં પોલીસ દ્વારા ઉપલેટા કોર્ટની સૂચનાની અને વારંવાર અદાલતના આદેશની અવગણના રાજકોટની આજીડેમ પોલીસે કરતા તા.17-02-2023ના રોજ વોરંટની બજવણી ન થવા અંગે નોટીસથી હાજર થવા જણાવ્યું હતુ, ત્યારે મુદતમાં ફરિયાદી વૃધ્ધ ઉઘડતી અદાલતે જ હાજર થયા હતા. તેમ છતા બપોર સુધી આજી ડેમ પોલીસના કોઇ પણ અધિકારી નહી ફરકતા સરકારી વકીલ જે.એમ. ટાંકે રાજકોટ આજી ડેમ પોલીસનો સંપર્ક કરતા ફરજ પર રહેલા સુરેશભાઇ જાપડીયાએ અધિકારી રસ્તામાં હોવાની વાત કરી હતી.
રાજકોટ પોલીસ કમિશનરને આદેશ કર્યો: સાંજના 05:50pm સુધી રાજકોટ આજીડેમ પોલીસના કોઇ અધિકારી નહિ ડોકાતા અંતે અદાલતે આજી ડેમ પોલીસ મથકના અધિકારી સામે કડક કાર્યવાહી કરી છે અને 10 હજાર રુપિયાનો દંડ ભરવાનો ઉપલેટા એડિ.સિવિલ જજ એસ.એસ.અજમેરીએ હુકમ કર્યો છે અને સાથે જ જો પી.આઇ. કોસ્ટની રકમ ન ચૂકવે તો તેમના પગારમાંથી કોસ્ટની રકમ કાપી રકમ ભરપાઇ કરવા અંગે રાજકોટ શહેર પોલીસ કમિશનરને પણ ઉપલેટા કોર્ટે આદેશ કર્યો છે.