રાજકોટ : સ્વામિનારાયણ સંપ્રદાયના સાળંગપુર ખાતે આવેલા મંદિરમાં હનુમાનજીની વિશાળ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. જ્યારે આ મૂર્તિને નીચે હનુમાનજીના વિવાદિત ચિત્રો સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા દર્શાવવામાં આવ્યા છે. જેને લઈને હાલ ગુજરાત સહિત દેશભરમાં સનાતન ધર્મના સાધુ-સંતો અને મહંતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હજુ પણ આ મામલાનો ઉકેલ આવ્યો નથી. એવામાં હનુમાનજીના વિવાદિત ચિત્ર મામલે કર્ણાટકના પૂર્વ ગવર્નર અને રાજ્યના પૂર્વ નાણાપ્રધાન વજુભાઈ વાળાએ પોતાનું નિવેદન આપ્યું હતું. જેમાં તેમને જણાવ્યું હતું કે, હનુમાનજી સૌના વડીલ છે.
દિગ્ગજ નેતાનું નિવેદન : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો કર્ણાટકના પૂર્વ ગવર્નર અને ગુજરાતના પૂર્વ નાણાપ્રધાન વજુભાઈ વાળા આજે રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના ધારાસભ્ય રમેશ ટીલાળાના જનસંપર્ક કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે આવ્યા હતા. જ્યાં રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. એ દરમિયાન વજુભાઈ વાળાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ મુદ્દાનો વિવાદથી નહીં પરંતુ સમન્વયથી ઉકેલ આવવો જોઈએ. જ્યારે હનુમાનજી સૌના વડીલ છે. આ વાત સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ ઘરે ઘરે પહોંચાડીને ગળે ઉતારવી જોઈએ.
હનુમાનજી સૌના વડીલ છે. બન્ને પક્ષો વચ્ચે વાતચીત થઈ રહી છે, ટૂંક સમયમાં આ વિવાદનો અંત આવી જશે. - વજુભાઈ વાળા
સનાતન ધર્મમાં રોષ : વજુભાઈ વાળાએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ આ મામલે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને સનાતન ધર્મના સંતો વચ્ચે વિવાદ થઈ રહ્યો છે. ટૂંક સમયમાં આ વિવાદનો અંત આવી જશે. ઉલ્લેખનીય છે કે, સાળંગપુર સ્વામિનારાયણ મંદિર ખાતે હનુમાનજીના વિવાદિત ચિત્રો મામલે રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી સનાતન ગ્રુપના યુવાનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં બે દિવસ પહેલા શહેરના ભુપેન્દ્ર રોડ ઉપર આવેલા સ્વામિનારાયણ સંસ્થાના બાલાજી મંદિર ખાતે સનાતન ગ્રુપના યુવાનોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યો હતો. ત્યારે હજુ પણ આ મામલે યોગ્ય ઉકેલ નહી આવતા સનાતન ધર્મના સાધુ સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે.