રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં જાણે ગુનેગારો બેફામ બન્યા હોય તેવી એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે. શહેરના રૈયા વિસ્તારમાં આવેલા રાણીમાં રૂણીમાં ચોકમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. જે અંગેની રજૂઆત સ્થાનિકો દ્વારા પોલીસને પણ કરાઇ છે પરંતુ આ મામલે હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. આ સમગ્ર ઘટનાને લઈને રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે તપાસના આદેશો આપ્યા છે.
'અસામાજિક તત્વોની પાંચથી છ લોકોની ગેંગ છે. વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આ લોકો દારૂ વેચવાનો ધંધો કરે છે. તેમજ રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજનાના ક્વાર્ટર પર ગેરકાયદેસર કબજો કરીને તે ક્વાર્ટર ભાડે આપ્યા છે. આ વિસ્તારમાં રસ્તા પરથી મહિલાઓ અને યુવતીઓ નીકળે તો તેની ઉપર ઈંડાનો મારો કરે છે. તેમજ વિસ્તારમાંથી કોઈ મજુર નીકળે તો તેની પાસેથી રૂ. 200 કે 300 ફરજિયાત માંગે છે. છેલ્લા ઘણા દિવસોથી વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા આતંક ફેલાવવામાં આવી રહ્યો છે જેની અમે પોલીસને પણ રજૂઆત કરી છે પરંતુ પોલીસે હજુ સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરી નથી.' -જયદીપ આયર, સ્થાનિક
સમગ્ર ઘટનાની તપાસ: બીજી તરફ આ અંગે રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગઈકાલે આ સ્થાનિકો રજૂઆત માટે આવ્યા હતા. જેને લઇને અમે ગઈકાલથી જ આ તમામ ઘટનાની તપાસ કરાવી રહ્યા છીએ. જ્યારે સ્થાનિકોએ જે વ્યક્તિ ઉપર આક્ષેપો કર્યા છે તે વ્યક્તિનો ગુનાહિત ઇતિહાસ સહિતની બાબતોની પણ તપાસ કરવામાં આવી રહી છે.
ગુનાહિત ઇતિહાસ: કમિશનર રાજુ ભાર્ગવે વધુમાં જણાવ્યું હતું કે જે વ્યક્તિ ઉપર આક્ષેપો છે તેમના દ્વારા વર્ષ 2022માં એક એટ્રોસિટીની ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ ફરી તેમને ચાર પાંચ દિવસ પહેલા એક એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી છે. આ બાબતની તમામ તપાસો અત્યારે ચાલુ છે. તપાસને અંતે જે પણ તારણ બહાર આવશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિકો દ્વારા મામલે આક્ષેપો કરવામાં આવ્યા છે પરંતુ આ મામલાના હજુ કોઈ પણ પુરાવા વધુ મળ્યા નથી.