- વિરપુરમાં જર્જરિત સ્કૂલમાં ધોરણ 10નો અભ્યાસ શરુ
- શ્રી જલારામજી વિદ્યાલયમાં દસ મહિના બાદ અભ્યાસ શરુ કરાયો
- વિદ્યાલય ઘણા સમયથી જર્જરીત હાલતમાં
રાજકોટઃ સમગ્ર દેશમાં કોરોના મહામારીને લઈને શાળા, કોલેજો બંધ કરવામાં આવ્યાં હતા, ત્યારે દસ મહિના બાદ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યભરમાં ધોરણ 10 અને 12 માટે અભ્યાસ ક્રમ શરુ કરાયો છે. વીરપુર જલારામ ગામે આવેલી શ્રી જલારામજી વિદ્યાલયમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે સરકારી ગાઈડ લાઈન મુજબ સ્કૂલ સેનેટાઇઝ કરી વિદ્યાર્થીઓને માસ્ક તેમજ સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન કરીને થર્મલ ગનથી સ્કીનિંગ કરીને અભ્યાસ શરુ કરવામાં આવ્યો છે.
મુખ્યપ્રધાન સુધી કરાઈ છે રજૂઆત
આ જલારામજી વિદ્યાલયને રીપેરીંગની સરપંચથી લઈ મુખ્યપ્રધાન સુધી શાળાના આચાર્ય વીડી નૈયાએ તેમજ અવારનવાર વિરપુરના સરપંચે પણ સરકારને લેખિત રજૂઆત કરી છે. પરંતુ તેઓને રીપેરીંગના આશ્વાસનો જ મળ્યા છે. આ શાળા રીપેરીંગના બદલે આ જર્જરીત શાળામાં 10 માસ બાદ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યુંં છે. શાળામાં એક પણ મોટો વર્ગખંડ કે હોલ સલામત ન હોય માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભયના માહોલ વચ્ચે અભ્યાસ કરે છે. જો ભવિષ્યના સમયમાં વધુ ધોરણના વર્ગો ચાલુ કરવામાં આવશે, તો વિદ્યાર્થીઓને ના છૂટકે સ્કૂલના ખુલ્લા ગ્રાઉન્ડમાં બેસીને અભ્યાસ કરવો પડે તેવી સ્થિતિ સર્જાશે. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સરપંચ પણ આ શાળાને સરકાર દ્વારા ફરીથી નવી બનાવી આપે તેવી માંગ કરી રહ્યા છે.