રાજકોટ : ગોંડલ તાલુકાના ધુડસીયા ગામે રહેતા મણીબેન ઘુસાભાઇ ગલચર (ઉમર વર્ષ 75) ના પરિવાર સાથે કુદરત અતિક્રૂર બની છે. થોડા દિવસ પહેલા આવેલા વિનાશકારી વાવાઝોડાએ તેમનું ઘર ધરાશાયી કરી નાખ્યું હતું. આ પરિવારના સાત સદસ્યો ઘર વગર જીવન પસાર કરવા મજબુર બન્યા હતા.
મણીબેનનું ઘર વાવાઝોડાએ ધરાશાયી કર્યું તે તેમના જીવનની પહેલી થપાટ નથી. કુદરતે બે માસ પહેલા તેમના પતિને અને બે વર્ષ પહેલા ઘરના આધારસ્તંભ સમાન પુત્રને છીનવી લીધો હતો, જ્યારે બીજો પુત્ર મનોજભાઈ અસ્વસ્થ છે તેના પત્ની અને સંતાનની પણ જવાબદારી મણીબેન પર છે.
વૃદ્ધા અને બે પુત્રવધુઓ પારખા ઘરના વાસણ માંજી ગુજારન ચલાવે છે.જોકે આ અહેવાલ પ્રસિદ્ધ થતા તાલુકા પંચાયત ગોંડલ તરફથી 70000 અને ધુળસીયાના વતની દલપતભાઈ રૈયાણી તરફથી 51000, આર્યા ફાઇનાન્સ સંદીપ લખતરીયા તરફથી 5000 તેમજ વાણંદ સમાજ અને ધુળસીયા ગ્રામજનો દ્વારા સહાય આપવામાં આવી રહી છે.