રાજકોટ: સૌરાષ્ટ્રના આસપાસના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં બાયોડીઝલનું વેચાણ ગેરકાયદેસર રીતે થઈ રહ્યું છે. એવામાં સ્થાનિક પોલીસને ગંધ પણ ન આવે એવી રીતે આ ખોટી વસ્તુઓનો વેપલો થઈ રહ્યો હતો. રાજકોટના કુવાડવા રોડ નજીકથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અંદાજિત 12000 લીટર બાયોડીઝલનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. રાજકોટ નજીકથી 12,000 લીટર ગેરકાયદેસર બાયોડીઝલ ઝડપવાની ઘટના સામે આવતા રાજકોટ પોલીસ પર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
ચકચાર મચી ગઈઃ અગાઉ સ્ટેટ મોનેસ્ટેરીંગ સેલ દ્વારા રાજકોટમાં કુવાડવા નજીકથી વિદેશી દારૂ બનાવવાની મીની ફેક્ટરી પકડી પાડી હતી. એવામાં હવે મોટા પ્રમાણમાં ગેરકાયદેસર બાયોડીઝલ પકડી પાડવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે, છેલ્લા છ મહિનામાં સ્ટેટ મોનિટરિંગ સેલની આ મોટી કામગીરી ગણવામાં આવી રહી છે.
11 ઇસમોની ધરપકડ: સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ આજે સાંજના સમયે રાજકોટના કુવાડવા રોડ ઉપર આવેલ એક કારના શોરૂમની સામે જાહેરમાં જ ગેરકાયદેસર રીતે વેચાતા બાયોડીઝલ પંપ ઉપર દરોડો પાડ્યો હતો. જે દરમિયાન બાયોડીઝલ ભરેલા ટ્રકો, છોટા હાથી અને બાયોડીઝલ પુરાવા આવેલા ચાર જેટલા ટ્રકોને સ્ટેટ મોરીટરીંગ ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી દરમિયાન 11 જેટલા ઈસમો ઝડપાયા હતા. ત્યારે આ ગેરકાયદેસર બાયોડીઝલનો મુખ્ય સૂત્રધાર મનહરસિંહ ઉર્ફ મુન્નો ફરાર હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. આ સાથે જ SMCની ટીમ દ્વારા હાલ આ મામલે હવે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ પોલીસ ઊંઘતી ઝડપાઈ: રાજકોટ નજીક કુવાડવા ખાતે ગેરકાયદેસર બાયોડીઝલનો વેપાર ખુલ્લેઆમ થઈ રહ્યો હતો. જ્યારે ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા અહીંયા બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો અને ગેરકાયદેસર 12000 જેટલું બાયોડીઝલ ઝડપી પાડવામાં આવ્યું હતું. એવામાં રાજકોટ પોલીસ ફરી એક વખત ઊંઘથી ઝડપાઈ હતી. તેમજ સ્થાનિક પોલીસની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પાડવામાં આવેલ દરોડો સફળ રહ્યો હતો અને 11 શખ્સોની ધરપકડ કરી હતી. ત્યારે આગામી દિવસોમાં આ દરોડાની કાર્યવાહીના કારણે રાજકોટ પોલીસમાં પણ નવાજૂની થાય તો નવાઇ નહીં.