રાજકોટઃ સાળંગપુરના સ્વામિનારાયણ મંદિરમાં હનુમાનજીની પ્રતિમા નીચે હનુમાનજીના વિવાદાસ્પદ ચિત્રો લગાવવાને મામલે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે રાજકોટમાં પણ અલગ અલગ સંગઠનો અને વિવિધ સમાજ વિરોધ કરી રહ્યા છે. આજે રાજકોટ કોંગ્રેસ દ્વારા હનુમાનજીના ચિત્ર વિવાદ મામલે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ત્યારબાદ ભુપેન્દ્ર રોડ ઉપર આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે સનાતન ગ્રૂપના યુવાનોએ પોસ્ટર લગાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
સંતો હનુમાજીની સેવા કરતા દર્શાવ્યાઃ સાળંગપુરના ભીંત ચિત્રોમાં હનુમાનજીને નતમસ્તક દેખાડવામાં આવ્યા છે અને તેમને સ્વામિનારાયણ સંસ્થાનું તિલક કરવામાં આવ્યું છેત જેનો હાલ વિરોધ ચાલી રહ્યો છે. સનાતન ગ્રુપ દ્વારા મંદિરમાં જે ચિત્રો લગાવવામાં આવ્યા છે. તેમાં હનુમાનજી મહારાજની સેવા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો કરી રહ્યા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે.
સાળંગપુરમાં જે હનુમાનજીના ચિત્રો લગાવવામાં આવ્યા છે તેને લઈને હિન્દુ ધર્મની લાગણીને ખૂબ જ ઠેસ પહોંચી છે. આ ચિત્રમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે હનુમાનજી મહારાજ સ્વામીના દાસ બનીને ત્યાં ઊભા છે. જ્યારે અમારી માત્ર એટલી જ માંગણી છે કે જે આ વિવાદિત ચિત્ર લગાવવામાં આવ્યા છે તે તાત્કાલિક દૂર કરવામાં આવે. ત્યારબાદ જ અમે ભુપેન્દ્ર રોડ ઉપર સ્વામિનારાયણ મંદિરમાં જે બેનર લગાડ્યા છે તે દૂર કરશું...હાર્દિક સિંહ રાઠોડ(કાર્યકર્તા, સનાતન ગ્રૂપ)
'ચાલો સાળંગપુર'કૂચનું આયોજનઃ ભુપેન્દ્ર રોડ ઉપર જે સ્વામિનારાયણ સંસ્થાનું મંદિર છે ત્યાં પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા. તેમણે 'ચાલો સાળંગપુર' તેવી કૂચનું પણ આયોજન કર્યુ છે. જે અંતર્ગત સમગ્ર ગુજરાતમાંથી સાધુ-સંતો અને હિન્દુ ધર્મના અલગ અલગ સમાજના લોકો એકઠા થઈને આ વિવાદીત ચિત્રનો વિરોધ કરવા એકઠા થશે.