રાજકોટ : બિપરજોય વાવાઝોડા બાદ આજે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં સર્વાનુમતે રૂપિયા 11 કરોડથી વધુના અલગ અલગ વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે. આ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ 20 જેટલી દરખાસ્તોને મૂકવામાં આવી હતી.
પ્રિમોન્સૂન કામગીરી 80 ટકા પૂર્ણ : સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મૂકાયેલી કુલ 20 જેટલી દરખાસ્તોમાંથી 14 જેટલી દરખાસ્તોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. જ્યારે છ જેટલી દરખાસ્તોને પેન્ડિંગ રાખવામાં આવી હતી. આ સાથે જ રાજકોટમાં પ્રિમોન્સૂન કામગીરી 80 ટકા પૂર્ણ થઈ ગઇ હોવાનો કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા દાવો કરવામાં આવ્યો છે. પરંતુ રાજકોટમાં બિપરજોય વાવાઝોડાને પગલે સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ પડતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયા હતાં.
દરખાસ્તો પેન્ડિંગ : આ અંગે મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં 20 જેટલી દરખાસ્તો ઉપર નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાંથી 14 જેટલી દરખાસ્તોને મંજુર કરવામાં આવી છે અને 6 જેટલી દરખાસ્તોને પેન્ડિંગ રાખવામાં આવી છે.
આ દરખાસ્તોમાં મુખ્ય દરખાસ્તની વાત કરવામાં આવે તો શહેરના કોઠારીયા વિસ્તારમાં આવેલા સ્વાતિ સર્કલ નજીક 24 મીટરના રોડને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ શહેરના 15 નંબર વોર્ડમાં રામનગર પાસે ચાર જેટલી નવી આંગણવાડી બનાવવા માટેના કામને પણ આજે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપવામાં આવી છે. જ્યારે છેલ્લા ઘણા દિવસોથી શહેરના વોર્ડ નંબર 18માં આવેલા કોઠારીયા વિસ્તારમાં સ્વાતિ પાર્ક નજીક સ્થાનિકોની માંગ હતી અહીંયા રસ્તો બનાવવામાં આવે જેના માંગણીને ધ્યાનમાં રાખીને આ કામને મંજૂરી આપવામાં આવી છે અને આગામી એક વર્ષમાં અહીંયા રસ્તો બનીને તૈયાર થઈ જશે... પુષ્કર પટેલ(સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન)
પ્રિમોન્સૂનની 10 ટકા કામગીરી : બાકી જ્યારે રાજકોટમાં પ્રિમોન્સૂન કામગીરી અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ મનપા દ્વારા ચોમાસાના બે મહિના અગાઉ જ પ્રિમોન્સૂનની કામગીરી અંગેનો પ્લાન બનાવવામાં આવતો હોય છે. ત્યારબાદ આ પ્લાન મુજબ કામગીરી કરવામાં આવતી હોય છે. જ્યારે આ વર્ષે પણ રાજકોટમાં 80 ટકાથી વધુ પ્રિમોન્સૂનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે અમારા કોર્પોરેશનના સેનેટરી વિભાગના ચેરમેન દરરોજ સવારે શહેરના અલગ અલગ વિસ્તારમાં વોકળા અને વોટર વેની સાફ-સફાઈ કરાવે છે. ત્યારે હવે માત્ર 10% જેવી કામગીરી બાકી છે જે આવતા 48 કલાકમાં પૂર્ણ કરી દેવામાં આવશે.
વાવાઝોડાની સ્થિતિથી અટકેલું કામ શરુ : રાજકોટમાં માત્ર એક જ વરસાદમાં પાણી ભરવાની ઘટનાને પગલે પુષ્કર પટેલે વધુમાં જણાવ્યું હતું કે દર વર્ષે કોર્પોરેશન દ્વારા 1 થી 18 વોર્ડમાં પ્રિમોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે અને વોટરવે તેમજ વોકળાને સાફ કરવામાં આવતા હોય છે પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી આ વર્ષે વાવાઝોડાની જે સ્થિતિ સર્જાઇ હતી તેના કારણે વાવાઝોડાની કામગીરીને પહેલી પાયોરિટી આપવામાં આવી હતી પરંતુ હવે 10 ટકા જે કામ બાકી છે તે વહેલાસર પૂર્ણ કરવામાં આવશે.