કચ્છ: જિલ્લાનું સૌથી જૂનું શહેર એટલે કે પૂર્વ કચ્છનું અંજાર. આ શહેર આશરે 1480થી વધુ વર્ષનો ઇતિહાસ ધરાવે છે. કચ્છના મહારાવ ખેંગારજી પહેલાએ વિક્રમ સંવત 1602ના માગશર વદ આઠમ-રવિવારના દિવસે તોરણ બાંધીને અંજાર શહેરની સ્થાપના કરી હતી. આજે પણ માગશર બાદ આઠમના દિવસે શહેરના સ્થાપનાદિન નિમિતે ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઐતિહાસિક અંજાર શહેરની ડ્રોન તસવીરો વિકાસ બરાડીયા અને કેયુર સીજુ દ્વારા કેદ કરવામાં આવી છે.
કચ્છનું ઐતિહાસિક અને સૌથી જૂનું શહેર અંજાર: અંજાર શહેરની સ્થાપના થઇ તે પહેલા આ વિસ્તાર અંજાડવાસ તરીકે ઓળખાતો હતો. અજેપાળના નામ પરથી આ વિસ્તારનું નામ અંજાર પડ્યું તેમ કહેવાય છે. તો બીજી બાજુ સૂકા રણ પ્રદેશ તરીકે ઓળખાતા કચ્છમાં અંજારની ફરતે ભૂગર્ભમાં અખૂટ જળ ભંડાર હતો. આ વિસ્તારના ખેતરોમાં અનાજ અને ફળોની વિપુલ માત્રામાં ઉત્પાદન થતું અને આ શહેર અનાજનું વેપાર કેન્દ્ર તરીકે ગણાતું હતું. અનાજનું મોટું બજાર પણ અહીં હતું. પરિણામે આ વિસ્તાર 'અન્નબજાર' તરીકે ઓળખતો થયો, અને ત્યારબાદ અંજાર તરીકે ઓળખાવા લાગ્યું.
અંજાર શહેરને અનેક ભૂકંપોએ ઘમરોળ્યું: અંજારમાં આકર્ષક પુરાતત્ત્વીય સાઇટ, શ્રેષ્ઠ હિન્દુ સ્થાપત્ય અને કલાનો સંગમ જોવા મળે છે. અંજાર શહેરને અનેક ભૂકંપોએ ઘમરોળ્યું છે, છતાં દર વખતે તે ખુમારીથી ફરીથી બેઠું થયું છે. ગુજરાતભરમાં અંજાર અજેપાળના નગર અને જેસલ-તોરલની સમાધિના સ્થળ તરીકે પ્રખ્યાત તીર્થસ્થાનસમું છે. કચ્છના મહારાવ ખેંગારજીએ ભુજમાં રાજધાની સ્થાપી એ પહેલાં અંજાર રાજધાનીનું શહેર તરીકે ઓળખાતું હતું. સમય જતાં રાજધાનીનું બિરુદ તો ગયું, પણ સાથે સાથે કચ્છમાં આવતા તીવ્ર ભૂકંપોનો મહત્તમ ભોગ હંમેશા અંજાર જ બનતું રહ્યું. વર્ષ 1956 અને 2001માં આવેલા ગોઝારા ભૂકંપોમાં અંજારને સૌથી વધુ નુકસાન થયું હતું.
અજયપાળ ચૌહાણે અજમેરથી આવી અંજાર શહેરમાં પોતાનું થાણું સ્થાપ્યું: આમ તો અંજાર છે તે કહેવાય અજેપાળનું. એક દંતકથા એવી પણ છે કે, દરિયાપારના આક્રમણને ખાળવા ચૌહાણ વંશના અજમેરના રાજાનો ભાઈ અજયપાળ ચૌહાણે અજમેરથી આવી અંજાર શહેરમાં પોતાનું થાણું સ્થાપ્યું હતું અને અંજારમાં હિન્દપારની ચોકી ગોઠવી હતી, તે અજેપાળ વિક્રમ સંવત 741મા દેવ થયા હતા. સ્વાભાવિક છે કે, એ દેવ થયા એ પહેલાં પણ કેટલાંક વર્ષો તે અંજારમાં રહ્યા જ હશે. અંજારમાં તેમનું મંદિર હજી પણ અસ્થાનું સ્થાન ગણાય છે. અંજારમાં તેઓ પીર તરીકે પૂજાય છે. અજેપાળ દેવ થયાને 1340 વર્ષ થયાં એ પહેલાંના ઇતિહાસને પણ જો માનવામાં આવે તો અંજારને 1480 વર્ષ થયા છે.
જેસલ તોરલની પ્રખ્યાત લોકકથા: અંજારનાં અનેક ધાર્મિક સ્થળો આવેલાં છે. જેસલ-તોરલની સમાધિ અને લોકકથામાં કરાયેલું એનું વર્ણન પણ અંજારની મુલાકાતીઓને જિજ્ઞાસા પ્રેરે છે અને સંસારની વિરકત ભાવનાઓને પણ જાગૃત કરે છે. અલખની આરાધના જગાડનાર જેસલ-તોરલની અમરગાથા આજે પણ લોકહૃદયમાં ગૂંથાઈ ગઈ છે. 14મી સદીની મધ્યમાં જામ લાખાનો પૌત્ર જેસલ જાડેજા બહારવટિયો બન્યો હતો. લૂંટફાટ અને અનેક લોકોની કતલ ઠંડે કલેજે કરનારો જેસલ કેવી રીતે કાઠી સતી તોરલને મળે છે અને કેવી રીતે તોરલ તેનો હૃદયપલટો કરી તેને પવિત્ર બનાવે છે એ બધું ફિલ્મ જેસલ-તોરલમાં પણ જોવા મળે જ છે. નિષ્ઠુર બહારવટિયા જેસલને ઉપદેશ પ્રબોધી તેના અંતરના કમાડ ખોલી તેને પશ્ચાતાપના પુનિત આધ્યાત્મિક માર્ગે વાળનાર સતી તોરલનો ઇતિહાસ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પ્રચલિત લોકકથાઓ અને લોકકાવ્યોમાં અમર બની ગયો છે.
જેસલ તોરલની સમાધિ: અંદાજિત 500 વર્ષ પહેલાં જેસલ અંજાર શહેરની કજ્જલીવન નામે ઓળખાતા આંબલીઓના ગીચ વનમાં રહેતો હતો. અને કચ્છ કાળો નાગ તરીકે ઓળખાતો હતો. સૌરાષ્ટ્રના સાસતિયા કાઠી પાસેથી તોરી ઘોડી લઈ આવવાના ભાભીએ મારેલા મહેણા પરથી આવેલા સંત જેવા સાસતિયાએ તોરી શબ્દ પરથી તોરી ઘોડી અને તોરી રાણી બન્ને સોંપી દીધાં હતાં. વહાણમાં પાછા વળતાં સમયે મધદરિયે તોફાનમાં બેબાકળા બનેલા જેસલને ધીરગંભીર તોરલે પાપોનો પસ્તાવો કરાવી હૃદયપલટો કરાવ્યો અને જેસલે પણ બહારવટું છોડી તોરલને ગુરુ માની અલખની આરાધના શરૂ કરી હતી. આમ, તોરલના સતીત્વ અને ભક્તિ થકી તલવાર ત્યજી તંબુરાના શરણે આવનાર જેસલ જાડેજો જેસલ પીર તરીકે પૂજાય છે.
સમાધિ પર હજારો દર્શનાર્થીઓ ભક્તિભાવથી દર્શન કરવા આવે છે: આજે અંજારમાં જેસલ તોરલની સમાધિ પર હજારો દર્શનાર્થીઓ ભક્તિભાવથી દર્શન કરવા આવે છે. દર વર્ષે હજારો પ્રવાસીઓ અહીં દર્શન કરવા આવે છે. વર્ષ 2001ના ભૂકંપમાં આ સમાધિનું મંદિર ધ્વંસ્ત થઈ ગયું હતું. એક માન્યતા એવી પણ છે કે જેસલની સમાધિ દર વર્ષે તલના દાણા જેટલી અને તોરલની સમાધિ દર વર્ષે જવના દાણા જેટલી એકબીજાની નજીક ખસે છે. જેસલ-તોરલની સમાધિએ દર વર્ષે ચૈત્ર સુદ ચૌદસ અને પૂનમના દિવસે મેળો ભરાય છે.
શહેરના પ્રાચીન ગઢની દિવાલોના અવશેષ આજે પણ જોવા મળે: રાજાશાહી કાળમાં અંજાર શહેર ફરતે ગઢ હતો અને પ્રવેશ માટે પાંચ નાકા હતા. તે અનુક્રમે ગંગાનાકું, દેવાળિયા નાકું, સવાસર નાકું, સોરઠિયા નાકું અને વરસામેડી નાકું તરીકે ઓળખાય છે. શહેરના પ્રાચીન ગઢની દિવાલોના અવશેષ આજે પણ જોવા મળે છે. શહેરના સ્થાપના દિને નગરપતિ દ્વારા ગઢની દિવાલની પૂજા કરવામાં આવે છે. વારંવાર આવેલા ભૂકંપોના કારણે શહેરની પ્રાચીન નગર રચનાના માત્ર અવશેષો જ બચ્યાં છે. 'કચ્છમાં અંજાર મોટા શહેર છે હો જીરે..' એ રીતે પ્રાચીન ગીતોમાં પણ અંજારને સાંભળવા મળે છે.
1816માં અંજાર જિલ્લો તથા શહેર બ્રિટિશ હકુમત હેઠળ આવ્યું: 1901માં અંજારની વસ્તી 18,014 હતી. 1816માં અંજાર જિલ્લો તથા શહેર બ્રિટિશ હકુમત હેઠળ આવ્યું પરંતુ, 1822માં વાર્ષિક કરવેરા મારફતે અંજાર ફરીથી કચ્છ રાજ્ય હસ્તક આવ્યું. 1832માં બ્રિટિશરોને કરવેરા ભરપાઇ કરી ન શકવાના કારણે, અંજાર ફરીથી બ્રિટિશ હકુમત હેઠળ આવ્યું. 1819માં અંજારમાં જબરદસ્ત ધરતીકંપ નોંઘાયેલ હતો જેમાં મકાનો તથા જાનમાલની ઘણી ખૂવારી થઇ હતી.
કચ્છમાં અંજાર મંદિરોનું શહેર: ભૂતકાળમાં જ્યારે માંડવીની જાહોજલાલી હતી ત્યારે માંડવીની સમાંતરે કોઈ સમૃદ્ધ શહેર હોય તો એ અંજાર હતું. કચ્છમાં વિવિધ ભક્તિધારાઓનું કેંદ્રબિંદુ પણ અંજાર છે. કચ્છમાં અંજાર મંદિરોનું શહેર પણ કહેવાય છે. અંજારમાં હિન્દૂ ધર્મના વિવિધ સંપ્રદાયોના હાલે ત્રણસો જેટલા નાનાં-મોટાં મંદિરો છે. પૂર્વ કચ્છની આર્થિક પ્રવૃત્તિઓનું અંજાર કેંદ્રબિંદુ ગણાતું હતું. છેક પ્રાંથડના વેપારીઓ અંજાર સાથે જોડાયેલા હતા. અંજારમાં હાલે સ્થાઈ થયેલી વેપારી જ્ઞાતિઓ મોટાભાગની વાગડની છે.
ગુજરાતની સ્થાપના પછી કચ્છમાં વીજ વિતરણ અંજારથી થતું: એનું એક કારણ એ છે કે, જ્યારે કચ્છમાંથી બહાર જવા સડકમાર્ગો ન હતા, ત્યારે અંજારના તુણા બંદરેથી દરિયાઈ માર્ગે જામનગર, નવલખી અને સિક્કા જઈ શકાતું હતું. અંગ્રેજોએ કચ્છમાં પગપેસારો તુણા બંદરેથી જ કર્યો હતો. કચ્છના રજવાડા સાથે વહીવટી કરારો કર્યા બાદ તેમણે ભુજમાં પોતાનું થાણું ન નાખતાં, અંજારને પસંદ કર્યું હતું. કચ્છના પહેલા નિવાસી પોલીટીકલ એજન્ટ જેમ્સ મેક મર્ડોએ અંજારમાં રહીને કચ્છનું શાસન ચલાવ્યું હતું. ગુજરાતની સ્થાપના પછી સંપૂર્ણ કચ્છમાં વીજ વિરતણ અંજારથી થતું હતું.
1980 કંડલા બંદરના વિકાસમાં અંજારનો ફાળો: અંજાર કસબીઓનું ગામ પણ ગણાય છે. એટલે જ અંજારમાં કોઈ સમયે ગૃહ ઉદ્યોગ ધમધમતા હતા. અંજાર છરી ચાકૂની બનાવટ, ચામડાની બનાવટો, તલવાર, બાટીક ઉદ્યોગ જગ વિખ્યાત છે. કચ્છમાં ટ્રકની બોડી બનાવવાનું કામ શરુ કરનાર અંજાર શહેર છે. છરી ચપ્પુની જેમ અંજારનું પીતળનું કામ વખણાય છે. ખાસ તો અહીં બનતા મંજીરા અને ઝાંઝ. જુદી જુદી ટ્યુનીંગ રેન્જના મંજીરા ખરીદવા લોકો ખાસ અંજાર આવે છે. અંજાર શહેરની સૌથી મોટી વિશેષતા હોય તો તેનાં અખૂટ ભૂગર્ભ જળ. 1980 કંડલા બંદરના વિકાસમાં અંજારનો ફાળો છે.
અંજાર શહેર શાકભાજી અને ફૂલોના ઉત્પાદનમાં મોખરે: અંજાર શહેરે કંડલા બંદરને ત્રણ દાયકા સુધી પીવાનું પાણી પુરું પાડ્યું છે. સમૃધ્ધ ભૂગર્ભજળને કારણે અહીંની ખેતી વિકસી છે. અંજારમાં ચકોતરા તરીકે ઓળખાતું લીંબુ કૂળનું ફળ ખાસ જાણીતું છે. બહુધા જોવા ન મળતું આ ફળ અંજારની વિશેષતા છે. વર્તમાન સમયમાં અંજાર શહેર શાકભાજી અને ફૂલોના ઉત્પાદનમાં મોખરે છે. અંજારના ફરસાણ સંપૂર્ણ કચ્છમાં વખણાય છે.
જોવાલાયક સ્થળો: જેસલ-તોરલની સમાધિ - આ સમાધિ લગભગ એક ફૂટના અંતરે છે. લોકો માને છે આ સમાધિઓ એક બીજાની નજીક આવી રહી છે. જ્યારે આ સમાધિઓ જોડાઈ જશે તે દિવસે મહાપ્રલય આવશે. જેસલ જાડેજા રાજવી કૂળમાં જન્મેલો એક કૂખ્યાત બહારવટીયો હતો. તેની ભારે રંજાડ હતી. તે મહાસતી તોરલના સંપર્કમાં આવ્યો અને તેના જીવનનું પરિવર્તન થઇ ગયું.
અજેપાળ મંદિર: અજેપાળે શહીદી વહોરી હતી. તેમના પરથી જ આ શહેરનું નામ અંજાર પડ્યું હોવાનું કહેવાય છે.
અંબા માનું મંદિર: લોકવાયકા અનુસાર અંજારના દશનામ ગોસ્વામી સમાજના સંત સાગરગિરિજી ભદ્રેશ્વરથી ભદ્રકાળી માતાજીની કૃપા મેળવી અંજારમાં લાવ્યા. આ ઉપરાંત પબડીયું તળાવ અને મેકમર્ડોનો બંગલો પણ જોવાલાયક સ્થળ છે.
વીર બાળ સ્મારક: 26 જાન્યુઆરી 2001માં આવેલા ગોઝારા ભૂકંપથી કચ્છની ધરતી ધણધણી ઉઠી હતી. આ ગણતંત્ર દિવસ હોવાથી 185 બાળકો અને 20 શિક્ષકો એક રેલીમાં જઇ રહ્યા હતાં ત્યારે આસપાસની ઇમારતોના કાટમાળ નીચે દટાઇ જવાથી મૃત્યુ પામ્યા હતાં. આ ગોઝારી ઘટનામાં જીવ ગુમાવેલા માસુમ આત્માઓની યાદમાં અંદાજે 17 કરોડના ખર્ચે કચ્છના અંજારમાં વીર બાળક સ્મારક બનાવવામાં આવ્યું છે. જ્યાં આ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા પાંચ વિભાગમાં આ સ્મારકનું નિર્માણ કરાયું છે. પીએમ મોદીએ તેનું લોકાર્પણ કર્યું હતું. આ મેમોરિયલની દિવાલ પર દિવંગતોના નામ લખવામાં આવ્યા છે અને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે ડિજિટલ મશાલ નિર્માણ કરાઈ છે જેના પ્રકાશ પુંજને અંજાર શહેરમાંથી જોઈ શકાય છે.
આ ઉપરાંત ઐતિહાસિક શહેર અંજારમાં માધવરાયનું મંદિર, ભરેશ્વર મહાદેવનું મંદિર અને સ્વામિનારાયણ મંદિર પણ જોવાલાયક છે. પીયુ ચાવડાએ વસાવેલું અંજાર નજીકના ભુવડ ગામે પ્રખ્યાત ભુવડેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે.
આ પણ વાંચો: