જૂનાગઢ: આજે પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહની જન્મ જયંતી સમગ્ર દેશમાં ખેડૂત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વ્યવસાયે ખેડૂત એવા ચૌધરી ચરણસિંહ ભારતના વડાપ્રધાન બનવા સુધીની સફર પૂર્ણ કરી ચૂક્યા હતા, ત્યારે તેમના માનમાં ખેડૂત દિવસની ઉજવણી થઈ રહી છે.
ત્યારે જુનાગઢ જિલ્લાના એક એવા યુવાન અને પ્રગતિશીલ ખેડૂતની વાત કરીશું જેણે દેશી જાતના શાકભાજીના 350 કરતા વધારે બિયારણોને સુરક્ષિત કરીને ખેતીની દુનિયામાં એક અનેક અનોખું સન્માન પ્રાપ્ત કર્યું છે.
જુનાગઢનો પ્રગતિશીલ ખેડૂત દેશી જાતના બિયારણો કરે છે સુરક્ષિત
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ટીટોડી ગામના યુવાન અને પ્રગતિશીલ ખેડૂત ભરત પટેલ છેલ્લાં ઘણા વર્ષથી દેશી જાતના શાકભાજીના બિયારણને સાચવવાનું અને તેને નવી પેઢીમાં આગળ ધપાવવાનું અનુકરણીય કામ કરી રહ્યા છે, અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં દેશી જાતના શાકભાજી બિલકુલ બજારમાંથી ગુમ થયા હતા, જેને ધ્યાનમાં રાખીને ભરત પટેલે દેશી જાતના શાકભાજીના બિયારણને સુરક્ષિત અને તેને આગળ વધારવાનું એક મહા અભિયાન શરૂ કર્યું છે.
રાષ્ટ્રપતિભવનમાં રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત
ભરત પટેલની શાકભાજીની દિશામાં અનુકરણીય કામગીરીને ધ્યાનમાં રાખીને વર્ષ 2024માં 15મી ઓગસ્ટના દિવસે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કાર્યક્રમ એટ હોમ કાર્યક્રમમા રાષ્ટ્રપતિ ભવને નિમંત્રણ પાઠવ્યું હતું અને તેમની મુલાકાત પણ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સાથે થઈ હતી, તેની પાછળ એક માત્ર દેશી જાતના શાકભાજીના બિયારણને સાચવવું અને તેને આગળ ધપાવવાનું ઉમદા કાર્ય મનાઈ છે.
જમીન ભાડે રાખીને કરે છે બિયારણ તૈયાર
ભરત પટેલ ખેડૂત પરિવાર માંથી આવે છે, પરંતુ હાલ તેમની પાસે ખેતીલાયક કોઈપણ જમીન નથી જેને કારણે ભરત પટેલ ઘણા વર્ષોથી ખેતીલાયક જમીન વર્ષ દરમિયાન ભાડે રાખીને તેમાં 350 જાતના અલગ-અલગ દેશી શાકભાજી કે જે શિયાળો ઉનાળો અને ચોમાસાની ઋતુ દરમિયાન થઈ શકે તે તમામનું બિયારણ તૈયાર કરીને કોઈ પણ વ્યક્તિને વિનામૂલ્ય પહોંચાડે છે.
કોઈ પણ વ્યક્તિ ભરત પટેલ પાસેથી બિયારણ મેળવ્યા બાદ તેને બિયારણ ડબલ કરીને પરત આપે તેવી અપેક્ષા પણ રાખવામાં આવી રહી છે, પરંતુ જે લોકો બિયારણ પરત આપવા નથી માગતા આવા લોકો પાસેથી તે બિયારણના ટોકન ચાર્જ તરીકે 20 રુપિયા વસૂલ કરે છે.
રાસાયણિક ખાતર વિના ખેતી
ભરત પટેલ દેશી શાકભાજીના બિયારણોના ઉત્પાદન પાછળ દેશી પદ્ધતિથી આજે પણ શાકભાજીનું વાવેતર કરે છે જે માટે કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કરતા નથી, પ્રાકૃતિક ખેતી થકી તે વનસ્પતિ માંથી બનેલા જીવામૃતને ખાતર તરીકે આપે છે. આ સિવાય તે શાકભાજીમાં આવેલા કેટલાક રોગોના નિયંત્રણ માટે લીમડો,ધતુરો, આંકડા સહિત આઠ જેટલી વનસ્પતિના પર્ણના અર્કનો ઉપયોગ કરીને તે શાકભાજીમાં આવેલા રોગ અને જીવાત પર પણ નિયંત્રણ કરે છે.