દમણ: લંડન-કેન્યામાં ભારતીય સંસ્કૃતિના સિંચન સાથે કાર્યરત શિશુકુંજ (Shishukunj) સંસ્થાએ અઢી લાખ પાઉન્ડના ખર્ચે ભુજમાં ઇન્ટરનેશનલ શાળા સ્થાપવાનું ઉદ્દેશ્ય સેવ્યું છે. જેનું ભંડોળ એકઠું કરવા સંસ્થાના 108 સભ્યો 36 રિક્ષામાં 13 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર દરમિયાન રામેશ્વરમથી ભુજની યાત્રાએ નીકળ્યા છે. આ યાત્રાના રૂટમાં વાપી આવતા આ તમામે વાપીમાં આવેલ મુક્તિધામ (સ્મશાન) ની મુલાકાત લીધી હતી.
રામેશ્વરમથી ભુજનો પડકારજનક પ્રવાસ: ભુજમાં શિશુકુંજ ઇન્ટરનેશનલ સ્કૂલના નિર્માણ માટે ભંડોળ એકત્ર કરવાના ઉમદા હેતુ માટે કેન્યા, UK અને અન્ય પ્રદેશોના 108 થી વધુ સ્વયંસેવકોની ટીમ ટુકટુક (રીક્ષા) પર ભારતના રામેશ્વરમથી ભુજનો 3,000 કિલોમીટરનો પડકારજનક પ્રવાસ કરી રહી છે. જે દરમિયાન વાપીના મુક્તિધામ ખાતે આવી મુક્તિધામની સુંદર કામગીરી નિહાળી હતી.
ભારતીય સંસ્કૃતિનું જતન કરતી શિશુકુંજ સંસ્થા: આ અંગે વાપી મુક્તિધામના ટ્રસ્ટી તુષાર હરિયાએ જણાવ્યું હતું કે, તેમનો જન્મ આફ્રિકામાં થયો છે. અને તેમને UK માં અભ્યાસ કર્યો છે. અહીં લંડનમાં ભારતીય સંસ્કૃતિનું જતન કરતી શિશુકુંજ સંસ્થામાં તેઓ વર્ષોથી કાર્યરત છે. આ સંસ્થા ભુજમાં ઇન્ટરનેશનલ સ્કૂલ બનાવવા માંગે છે. જેમના ફન્ડિંગ માટે નીકળેલા સ્વયં સેવકોમાં તેમના મિત્રો પણ સામેલ હોવાથી વાપીમાં તેઓને પણ આવકાર આપ્યો હતો. આ તમામ સ્વયં સેવકોને વાપીમાં બનાવેલ અદ્યતન મુક્તિધામની મુલાકાત કરાવી હતી. જે જોઈને તમામ ખૂબ જ ખુશ થયા હતાં. તમામે મુક્તિધામની સેવાકીય પ્રવૃત્તિની સરાહના કરી હતી.
અંદાજીત અઢી લાખ પાઉન્ડની જરૂર: 13 ડિસેમ્બર 2024ના રમેશ્વરમથી નીકળી 25મી ડિસેમ્બરે ભુજ સુધી પહોંચનાર આ યાત્રામાં જોડાયેલ મૂળ લંડનના ધર્મેશ છેડાએ જણાવ્યું હતું કે, લંડન અને કેન્યામાં વર્ષોથી શિશુકુંજ સંસ્થા શાળા સહિતની સેવાકીય પ્રવૃત્તિ કરે છે. હવે આ સંસ્થા ભુજમાં બાળકો માટે અદ્યતન સુવિધાઓ સાથેની શાળા નિર્માણ કરવા માંગે છે. જે માટે અંદાજીત અઢી લાખ પાઉન્ડની જરૂર છે. જે ફંડ એકઠું કરવા આ યાત્રા યોજવામાં આવી છે.
રામેશ્વરથી ભુજની યાત્રા: બાલદેવો ભવ: ના ઉદેશ્ય સાથે લંડન-કેન્યામાં ચાલતી શિશુકુંજ સંસ્થા શાળા સહિતના અન્ય ચેરિટી પ્રોજેકટ પણ કરે છે. ભુજની શાળાના ભંડોળ માટે સંસ્થાના 108 સભ્યો 36 રીક્ષામાં રામેશ્વરથી ભુજની યાત્રાએ નીકળ્યા છે. જેમાં તેમને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો હોવાનું જણાવી સભ્યોએ વાપીના મુક્તિધામના વખાણ કર્યા હતાં.
યાત્રા માટે રીક્ષાની પસંદગી: શાળાના ફન્ડિંગ માટે ટુકટુક (Tuk-Tuk) (રીક્ષા) પસંદ કરવા અંગે તેઓએ જણાવ્યું હતું કે, ઘણા લોકો સાયકલ યાત્રા પર નીકળે છે. પણ ભારતમાં રીક્ષા દરેક શહેરમાં જોવા મળે છે. અને પેસેન્જર વાહન તરીકે તે ખૂબ જ પ્રચલિત છે. આ મહત્વને ધ્યાનમાં રાખીને તેઓએ આ યાત્રા માટે રીક્ષાની પસંદગી કરી છે. જેમાં દરેક રિક્ષાને પોતાની ટુકડી મુજબ વિશેષ નામ આપ્યા છે.
ભારત દર્શન પણ થઈ રહ્યા છે: આ 3 હજાર કિલોમીટરના પ્રવાસમાં કેન્યામાં જન્મેલા NRI હિતેશે જણાવ્યું હતું કે, તેઓ પ્રથમ વખત આ યાત્રાના માધ્યમથી ભારત આવ્યાં છે. નાના બાળકોની શાળા માટેનું આ સારું કાર્ય થઈ રહ્યું છે તેથી તેઓ આ કાર્યમાં સામે ચાલીને જોડાયા છે. તેમને ખુશી વ્યકાર કરતાં કહ્યું કે યાત્રાના રૂટ દરમિયાન ભારત દર્શન પણ થઈ રહ્યા છે.
હિન્દુ ધર્મ અને વૈશ્વિક જ્ઞાન અંગેનું શિક્ષણ: ઉલ્લેખનીય છે કે, આ તમામ યાત્રિકો ભુજમાં શિશુકુંજ નામની ઇન્ટરનેશનલ શાળાના ફંડિંગ માટે રિક્ષામાં નીકળ્યા છે. રામેશ્વરથી ભુજ સુધીનો કુલ 3000 કિલોમીટરનો પ્રવાસ છે. આ સંસ્થા શિશુકુંજ ઇન્ટરનેશનલ શાળા છે. આ સંસ્થા આફ્રિકાના કેન્યામાં અને લંડનમાં વર્ષોથી કાર્યરત છે. જેમાં હિન્દુ ધર્મ અંગેનું અને વૈશ્વિક જ્ઞાન અંગેનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. હવે, ભારતીય સંસ્કૃતિને વધુ ઉજાગર કરવા ભુજમાં નવી શાળા સ્થાપવાનું તેઓનું ઉદ્દેશ્ય છે જે માટે થઈને ડોનેશન ઉઘરાવવા આ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. UK અને કેન્યાથી આ શાળા માટે સારું એવું દાન મળ્યું છે. વાપીના મુક્તિધામને નિહાળી યાત્રાનો અનોખો આનંદ ઉઠાવતા આ યાત્રિકો વાપીથી ભુજ તરફ રવાના થયા હતા.
આ પણ વાંચો: