રાજકોટ: બોલિવૂડના સ્ટાર અભિનેતા સુશાંતસિંહે આત્મહત્યા કરી હતી. જેમાં સુશાંતના ઘરમાં જ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે હાલ સુશાંતના મોતના મામલે દેશમાં ઘણો વિવાદ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં પણ હાલ યંગસ્ટર્સમાં સુશાંતના મોતનો મામલો ખૂબ જ ચર્ચાઈ રહ્યો છે. તેના મોત મામલે યંગસ્ટર્સ દ્વારા ટેટૂ બનાવડાવીને તેને શ્રદ્ધાંજલિ સાથે યોગ્ય તપાસની માગ કરવામાં આવી રહી છે.
આ અંગે ETV BHARATએ 10 વર્ષથી ટેટૂ આર્ટિસ્ટ તરીકે વર્ક કરતા ધર્મેશ મકવાણા સાથે વાત કરી હતી. જેમાં ધર્મેશે જણાવ્યું હતું કે, સુશાંતના મોત બાદ હાલ રાજકોટ સહિતના યંગસ્ટર્સમાં સુશાંતના ટેટૂ બનાવવાનો ક્રેઝ વધારે જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં ઘણા યંગસ્ટર્સ દ્વારા આ પ્રકારના નાના મોટા સુશાંતના ટેટૂ બનાવવામાં આવ્યા છે. અમે પણ લોકોની માગને લઈને બને એટલા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક અને સરકારના નીતિ નિયમ મુજબ આ ટેટૂ બનાવી આપીએ છીએ.