રાજકોટઃ આજના સમયમાં મહિલાઓની સુરક્ષાને લઇને સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. જેમ બને તેમ મહિલાઓ કોઇ ખોટી રીતે હેરાન કે પરેશાન ના થાય તે માટે અનેક યોજનાઓ અને કાયદાઓ લાવવામાં આવ્યા છે. પરંતુ તેમ છતા મહિલાઓ સાથે અન્યાય થાય છે. રાજકોટમાં ફરીવાર એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં મહિલાની મદદતે 181 અભયમ્ ટીમ આવી હતી.
181 અભયમ્ ટીમ: રાજકોટમાં જાગૃત નાગરિકે રસ્તે મળેલા અજાણ્યા મહિલા રડતા હોવાથી તેમને પરિવારજનો સાથે વાત કરવા માટે મોબાઈલ ફોન આપ્યો હતો. પીડિતાએ મહેસાણા રહેતા પરિવારજન સાથે કરેલી વાત ઉપરથી જાગૃત નાગરિકને ખ્યાલ આવ્યો કે પતિએ પાંચ મહિનાની પુત્રી પોતાની પાસે રાખીને મહિલાને તેમના ઘરમાંથી કાઢી મૂકી છે. પીડિતા ખૂબ તકલીફમાં હોય તેવું લાગતા જાગૃત નાગરિકે કોલ કરી 181 અભયમ્ ટીમને જાણ કરી હતી.
કાઢી મુકવામાં આવી: સમગ્ર ઘટનાની જાણ 181 મહિલા અભયમ્ હેલ્પલાઈનના કાઉન્સિલર ચંદ્રિકા મકવાણા, પાઇલોટ જયદીપ ગઢવી અને કોન્સ્ટેબલ અનીતા ઝાલાને થતા તેઓ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચી ગયા હતા. અભયમ્ ટીમના કાઉન્સિલર ચંદ્રિકા મકવાણા દ્વારા પીડિતાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે, પીડિતાને સાસરેથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમજ પતિને પીડિતાના સગા નાના બહેન સાથે લગ્નેત્તર સંબંધ છે. પતિ રોજ તેને મળવા જાય છે, ફોનમાં વાત કરે છે તથા તેને ઘરની ચીજવસ્તુઓ લાવી આપે છે. જયારે પીડિતાને કંઈ લાવી આપતા નથી. દીકરી માટે દૂધ ખરીદવાના નાણા પણ આપતા નથી તથા પીડિતા પતિ પાસે ઘરખર્ચના નાણા માંગે તો પતિ મારકૂટ કરે છે.
કાઉન્સેલિંગ કરાયું: આ ઘટનામાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે પીડિતાના લગ્નનો સમયગાળો 15 વર્ષનો છે. પીડિતાના સંતાનો પતિ પાસે છે. પીડિતા શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને સાસરે પરત ફરવા માંગતા ન હોવાથી તેમજ તેમને કાઉન્સેલિંગની જરૂર હોવાથી સિવિલ હોસ્પિટલમાં સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવ્યો છે. આમ, રાજકોટ 181 અભયમ્ ટીમએ પતિએ ઘરમાંથી કાઢી મુકેલી મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશરો અપાવ્યો હતો.