રાજકોટ: આજના સમયમાં પણ લોકોના વિચાર જૂની રૂઢિ જેવા છે. જેના કારણે પહેલાના સમયના લોકોના અને આજના સમયના યુવાનોના વિચારો એક થતા નથી. તેનું પરિણામ એ આવે છે કે યુવાનો અંતિમ પગલું ભરી લેતા હોય છે. એવો જ એક બનાવ રાજકોટમાં બન્યો છે. રાજકોટના ખંડેરી ગામ નજીક એક યુવક અને યુવતીએ આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જ્યારે આ બંને યુવક યુવતી એકબીજાને પ્રેમ કરતા હતા. સમાજ તેમને એક નહીં થવા દે તેના કારણે આપઘાત કરી લીધો હતો. જેમાં યુવક યુવતી બંનેના મોત થયા હતા. સમગ્ર મામલે બંનેના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેમજ આ મામલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પરંતુ રાજકોટમાં પ્રેમી યુગલે આપઘાત કરી લેવાની ઘટના સામે આવ્યા બાદ ચકચાર મચી જવા પામી છે.
આ પણ વાંચો Rajkot Water Problem : રાજકોટમાં ખુદ મેયરના વૉર્ડમાં જ પીવાના પાણીની સમસ્યા
બંને પ્રેમી પંખીડાઓ: સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના આંબરડા ગામે રહેતા મહેન્દ્રસિંહ ઈશ્વરસિંહ વાઘેલા નામના 22 વર્ષીય યુવક અને સુમી માનસિંગભાઈ કેર નામની 19 વર્ષ યુવતી આ બંને પ્રેમી પંખીડાઓ ગઈકાલે પોતાના ગામેથી નીકળી ગયા હતા. રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યારે અહી આવેલા ખંડેરી ગામ નજીક આપઘાત કરી લીધો હતો. જો કે આ મામલે રેલવે પોલીસને જાણ થતા રેલવે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી હતી. વધુ તપાસ શરૂ કરી હતી. જ્યારે મૃતક યુવક યુવતીના પરિવારજનોને પણ રેલવે પોલીસ દ્વારા જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ આ બંનેના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.
સગાઈ એક વર્ષ પહેલાં: પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક યુવતી સુમીની સગાઈ એક વર્ષ પહેલા જ અન્ય યુવક સાથે થઈ ગઈ હતી. જ્યારે આ બંને યુવક યુવતી એકબીજાના પ્રેમમાં હતા. પરંતુ સમાજના લોકો તેમને એક નહીં થવા દે તેના કારણે તેઓ ગઈકાલે જ પોતાના ગામમાંથી ભાગી છુટ્યા હતા અને રાજકોટ તરફ આવ્યા હતા. જ્યારે મૃતક યુવક પણ ગામ નજીક આવેલી કંપનીમાં મજૂરી કામ કરતો હતો અને અને બે બહેનો અને એક ભાઈ કરતા નાનો હતો. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં પ્રેમી પંખીડાને આપઘાતની ઘટના સામે આવ્યા બાદ ચકચાર મચી જવા પામી હતી. જ્યારે ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં પણ દુઃખની લાગણી જોવા મળી રહી છે.