રાજકોટ : વિવાદોમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદોમાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રહેલી કેન્ટીનમાં આપવામાં આવતા નાસ્તામાંથી કીડી અને ફૂગ વાળી વાસી વસ્તુઓ મળી આવી છે. સોશિયલ મીડિયામાં આ સમગ્ર બાબતનો વિડીયો વાયરલ થયો છે. જ્યારે યુનિવર્સિટીની કેન્ટીંગમાંથી અખાદ્ય ફૂડ વહેંચાતું હોવાની ઘટનાને પગલે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : Saurashtra University: વિદ્યાધામ કે મહેફિલનો અડ્ડો? કેમ્પસમાંથી ખાલી દારૂની બોટલ મળી
વિદ્યાર્થીનીએ વિડીયો કર્યો વાયરલ : સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે. જેમાં એક વિદ્યાર્થીની દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા અમૂલ પાર્લરમાંથી તેના દ્વારા એક પફ લેવામાં આવ્યો છે. આ પફમાંથી કીડી અને ફૂગ જોવા મળી રહી છે. જ્યારે આવું એકવાર નથી થયું. આ અગાઉ પણ આવી ઘટના સામે આવી છે, પરંતુ વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીને આ અંગેની રજૂઆત કરવામાં આવી નથી. જેના કારણે યુનિવર્સિટી દ્વારા હજુ સુધી પગલાં લેવામાં આવ્યા નથી.
હોસ્ટેલમાં પણ જમવાનું યોગ્ય નહીં : વિદ્યાર્થીની વીડિયોમાં એવું પણ જણાવી રહી છે કે, તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહે છે. ત્યાં પણ તેમને જમવાનું સારું આપવામાં આવતું નથી. એવામાં યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા અમૂલ પાર્લરમાં પણ આપવામાં આવતા નાસ્તામાં પણ અગાઉ ઈયળો મળી આવી છે. જ્યારે આજે જે વિડીયો વાયરલ થયો છે. જેમાં કીડી અને ફૂગ જોવા મળી રહી છે. ત્યારે સવાલો ઉભા થઈ રહ્યા છે કે આ પ્રકારનું ફૂડ ખાવાના કારણે જો કોઈ વિદ્યાર્થીની તબિયત લથડે તો જવાબદાર કોણ?
આ પણ વાંચો : Saurashtra University: સૌરાષ્ટ્ર યુનિ. ફરી વિવાદમાં, પૂર્વ સિન્ડિકેટ સભ્યએ આપી ફોજદારી કેસ કરવાની ધમકી
આત્મીય યુનિવર્સિટીમાં આવી ઘટના સામે આવી હતી : અગાઉ પણ રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલી આત્મીય યુનિવર્સિટીની હોસ્ટેલમાં પણ વિદ્યાર્થીઓને આપવામાં આવતા જમવામાં પણ આ પ્રકારના કીડી અને જીવજંતુઓ મળી આવ્યા હતા. જેના કારણે હોસ્ટેલના વિદ્યાર્થીઓ દ્વારા આકરો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરી એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ પ્રકારની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.