રાજકોટ : જૂનાગઢ લીલી પરિક્રમા મેળા દરમિયાન રાજકોટ જૂનાગઢ વચ્ચે બે જોડી સ્પેશિયલ ટ્રેનો દોડશે. પ્રવાસીઓની સુવિધા માટે, પશ્ચિમ રેલવે દ્વારા જૂનાગઢમાં યોજાનાર “પરિક્રમા મેળા”ને ધ્યાનમાં રાખીને રાજકોટ અને જૂનાગઢ વચ્ચે બે જોડી “પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન” ચલાવવામાં આવશે. આ બંને ટ્રેનો 23 નવેમ્બર, 2023 થી 27 નવેમ્બર, 2023 દરમિયાન દોડશે.
સરળતાથી જૂનાગઢ પહોંચી શકાશે : જ્યારે બીજી તરફ રાજકોટ એસટી વિભાગ દ્વારા 50 જેટલી એક્સ્ટ્રા બસો રાજકોટથી જૂનાગઢ માટે ચલાવવામાં આવનાર છે. જે આગામી દિવસોમાં યોજાનાર પરિક્રમા માટે શરૂ કરવામાં આવી છે. જેને લઈને રાજકોટથી જૂનાગઢ તરફ જતા મુસાફરોને તેનો લાભ રહેશે. તેમજ રાજકોટથી જૂનાગઢ મુસાફરી કરતા મુસાફરો સહેલાઈથી પ્રવાસ કરી શકશે.
સવારની ટ્રેન : જૂનાગઢ માટે આ બે ટ્રેન શરૂ 1) પ્રથમ રાજકોટ-જૂનાગઢ-રાજકોટ પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન રાજકોટથી સવારે 06.00 કલાકે ઉપડી જૂનાગઢ સવારે 8.30 કલાકે પહોંચશે. રિટર્નમાં આ ટ્રેન જૂનાગઢથી સવારે 09.50 કલાકે ઉપડશે અને બપોરે 12.30 કલાકે રાજકોટ પહોંચશે.
સાંજની ટ્રેન : બીજી રાજકોટ-જૂનાગઢ-રાજકોટ પરિક્રમા મેળા સ્પેશિયલ ટ્રેન રાજકોટથી સાંજે 16.05 કલાકે ઉપડી જૂનાગઢ સાંજે 18.35 કલાકે પહોંચશે. રિટર્નમાં આ ટ્રેન જૂનાગઢથી સાંજે 19.30 કલાકે ઉપડશે અને રાત્રે 22.40 કલાકે રાજકોટ પહોંચશે. જ્યારે ટ્રેનો બંને દિશામાં ભક્તિનગર, કોઠારિયા, રીબાડા, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર, ચોકી સોરઠ અને વડાલ સ્ટેશનો પર ઉભી રહેશે.
અન્ય રાજ્યમાંથી આવી રહ્યાં છે પરિક્રમાર્થી : જય ગિરનારીના નાદ સાથે ગરવા ગઢ ગિરનારની લીલી પરિક્રમાનો શુભારારંભ થયો છે. ત્યારે ખાસ કરીને 24 કલાક પૂર્વે જ પરિક્રમાની શરૂઆત થતાં પરિક્રમાર્થીઓ ગિરનાર તળેટીમાં શિસ્તબદ્ધપણે પરિક્રમા શરુ કરતાં જોવા મળ્યાં હતાં. આ વર્ષે 36 કિલોમીટર લાંબી લીલી પરિક્રમામાં વિશેષ પ્રમાણમાં યુવાનો અને મહારાષ્ટ્રના પરિક્રમાર્થીઓ પણ જોવા મળી રહ્યાં છે.