રાજકોટ : આગામી દિવસોમાં રાજ્યમાં ચોમાસું વિધિવત રીતે બેસી જશે. એવામાં રાજકોટ મહાનગરપાલિકાની પ્રિમોન્સુનની કામગીરી પૂર્ણતાના આરે છે. જ્યારે તાજેતરમાં જ બિપરજોય નામનું વાવાઝોડું રાજ્યના અલગ અલગ વિસ્તારના દરિયા કિનારે ટકરાયું હતું. જેના કારણે પ્રિ મોન્સૂનની કામગીરી પણ લેટ થઈ છે, પરંતુ આગામી 10થી 15 દિવસમાં પ્રિ મોન્સુનની કામગીરી પૂર્ણ કરવામાં આવશે, તેવું મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે. જ્યારે આ વખતે ચોમાસા દરમિયાન શહેરમાં પાણી ભરાવાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ મનપા દ્વારા CCTV કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે. જોકે આવું પ્રથમ વખત થશે કે રાજકોટમાં પાણી ભરવાની સમસ્યાને પહોંચી વળવા માટે કોર્પોરેશન CCTV કેમેરાની મદદ લેશે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રિમોન્સૂનની કામગીરી મનપાના અલગ અલગ વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે, જે એડવાન્સમાં શરૂ કરી દેવામાં આવી છે. જેમાં શહેરના વિવિધ વિસ્તારમાં વોકળા સફાઈથી માંડીને જે પણ નાની-મોટી કામગીરી કરવાની થતી હોય છે તે તમામ કરવામાં આવી રહી છે. જેમાં મુખ્યત્વે શહેરના જે જે વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવતી હોય તેવા સ્થળોને પણ આઈડેન્ટિફાય કરવામાં આવ્યા છે. જ્યારે શહેરના અલગ અલગ વિસ્તારમાં 900થી વધુ જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. આ તમામ કેમેરાનું મોનિટરિંગ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં થાય છે, ત્યારે આ CCTVનો આપણે મહત્તમ ઉપયોગ કરી શકીએ તે પ્રકારનું આયોજન આ વખતે કરવામાં આવ્યું છે. - આનંદ પટેલ (મનપા કમિશનર)
પ્રિ મોન્સુનની કામગીરી પૂર્ણતાના આરે : મનપા કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે આપણી ઉપર અચાનક બિપરજોય નામની આફત આવી હતી. ત્યારે આ આફતના કારણે પણ કેટલાક મુદ્દાઓ મનપાને ધ્યાન ઉપર આવેલા છે ત્યાં પણ નાની મોટી કામગીરી કરાશે. જેના કારણે આગામી જો આ પ્રકારની કુદરતી આફતોનું આપણી સામનો કરવો પડે તે દરમિયાન આપણે ઝડપથી તેને પહોંચી વળીએ. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં ચોમાસુ શરૂ થશે. એવામાં દર વર્ષે રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરવાની પણ સમસ્યાઓ સામે આવતી હોય છે. ત્યારે આ વખતે કોર્પોરેશન દ્વારા સીસીટીવીની મદદ પણ લેવામાં આવશે. જેમાં શહેરના જે પણ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવશે, ત્યારે જે તે વોર્ડના એન્જિનિયરને ત્યાં મોકલીને તાત્કાલિક પાણીને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.