રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રદ્યુમ્ન પાર્ક પ્રાણી ઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન મુજબ આધુનિક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખૂબ જ ઉત્તમ સ્થળ બની ગયું છે. એવામાં ઝૂ ખાતે ત્રણ જેટલા શાહમૃગ એટલે કે ઓસ્ટ્રીચના બચ્ચાનો જન્મ થયો છે. જેને લઈને પ્રાણી ઉદ્યાન ખાતે કર્મચારીઓમાં પણ ખુશીનો માહોલ છવાયો છે. એક અનુમાન પ્રમાણે રાજકોટ ઝૂની દર વર્ષે અંદાજિત 7.25 લાખ મુલાકાતીઓ મુલાકાતે આવતા હોય છે.
શાહમૃગના ત્રણ બચ્ચાનો થયો જન્મ : રાજકોટ પ્રદ્યુમ્ન પાર્ક પ્રાણી ઉદ્યાન ખાતે શાહમૃગ (ઓસ્ટ્રીચ) પક્ષીએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે. ઝૂ ખાતે શાહમૃગ ૫ક્ષીની જોડી (નર તથા માદા) મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવી રહી છે. આ બન્ને નર તથા માદા ૫ક્ષીઓને અહીનું કુદરતી જંગલ સ્વરૂ૫નું વાતાવરણ અનુકૂળ આવી જતા ચાલુ વર્ષે નર તથા માદાના સંવનનથી માદા શાહમૃગ દ્વારા ઇંડા મુકવામાં આવ્યા હતાં. જે બાદ ત્રણ જેટલા શાહમૃગના બચ્ચાનો જન્મ થયો છે.
આ પણ વાંચો હવે વિદેશી પ્રાણીઓને જોવા નહીં જવું પડે વિદેશ, આ શહેરમાં બની રહ્યું છે એશિયાનું સૌથી મોટું ઝૂ
વારાફરતી ઇંડા સેવવાનું કાર્ય : કુદરતી અવસ્થામાં શાહમૃગ ૫ક્ષીઓમાં માદા ૫ક્ષી દ્વારા ઇંડા મુકયા ૫છી ઇંડાઓને સેવવાનું કાર્ય નર તથા માદા બન્ને દ્વારા વારાફરતી કરવામાં આવે છે. ઘણી વખત શાહમૃગ ૫ક્ષીઓમાં ઇંડા મુકયા ૫છી ઇંડાઓને સેવવાનું કાર્ય નર અને માદા દ્વારા સુવ્યવસ્થિત કરવામાં ન આવે તેવા સંજોગોમાં, ઇંડા સેવવા માટે ખાસ પ્રકારના આર્ટીફીશિયલ ઇંક્યુબેટર મશીનમાં આ ઇંડાઓને મુકવામાં આવેતા હોય છે. ઉક્ત આર્ટીફીશિયલ ઇંક્યુબેટર મશીનમાં ઇંડા સેવવા માટે ઓટોમેટીક જરૂરી તાપમાન અને ભેજનું પ્રમાણ જાળવવાનું હોય છે.
આર્ટીફીશિયલ ઇંક્યુબેટર મશીનમાં સફળતાપુર્વક ઈંડા સેવવાનું કાર્ય : ઝૂ ખાતે પ્રથમ વખત સતત મોનીટરીંગ કરીને આર્ટીફીશિયલ ઇંક્યુબેટર મશીનમાં સફળતાપુર્વક ઈંડા સેવવાનું કાર્ય કરાતા 40 થી 45 દિવસના ઇન્ક્યુબેશનના અંતે ઇંડાઓમાંથી 03 બચ્ચાંઓનો જન્મ થયો છે. ઉક્ત ત્રણ બચ્ચાઓ પૈકી પ્રથમ બચ્ચું તા.03/02/2023, બીજુ બચ્ચું તા.07/02/2023 અને ત્રીજા બચ્ચાનો તા.09/02/2023ના રોજ જન્મ થયો છે. હાલ આ ત્રણેય બચ્ચાંઓ તંદુરસ્ત હાલતમાં છે અને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવેલ છે. આ બચ્ચા મોટા થઈ ગયા બાદ પાંજરામાં મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવશે.
શાહમૃગ ૫ક્ષીની વિશિષ્ટતા : સમગ્ર વિશ્વમાં શાહમૃગ પક્ષી અને તેના ઈંડા સૌથી મોટા કદના હોય છે. શાહમૃગ પક્ષી પૃથ્વી પરના સૌથી મોટા કદના અને ઉડી ન શક્તા હોય તેવા પક્ષીઓમાં સમાવેશ થાય છે. શાહમૃગ પક્ષીઓના કુદરતી રહેઠાણ વિશે જાણીએ તો શાહમૃગ ૫ક્ષી ભારતના કોઇ ૫ણ ભાગમાં જોવા મળતું નથી. તેનું કુદરતી રહેઠાણ આફ્રિકાના ખુલ્લા મેદાનો ધરાવતા જંગલો, સવાનાના મેદાનો અને સૂકા વિસ્તારોમાં જોવા મળે છે.
શાહમૃગ પક્ષીનો ખોરાક : આ ૫ક્ષી મિશ્રાહારી હોય છે. તે કૂણાં ઝાડપાન, દાણાદાર બીજ, જીવજંતુ, ખડમાંકડ, ઇયળો, કિટકો તેમજ જમીન ૫રના અન્ય નાના જીવજંતુઓ ખાય છે. આ ૫ક્ષીની સામાન્ય ઉંચાઇ 08થી 09 ફુટ જેટલી હોય, તે 70 કિમી/કલાકની ઝડપે દોડી શકે છે. તેનો સરેરાશ વજન 80થી 140 કિગ્રા. અને આયુષ્ય 40 થી 50 વર્ષ જેટલુ હોય છે. જેના ઇંડાનો સરેરાશ વજન 1.5 કીગ્રા. જેટલો હોય છે.
રાજકોટ ઝૂમાં 60 પ્રજાતિઓનાં કુલ 524 વન્યપ્રાણી પક્ષીઓ : હાલ ઝૂ ખાતે જુદી જુદી 60 પ્રજાતિઓનાં કુલ 524 વન્યપ્રાણી પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે. રાજકોટ પ્રાણીઉદ્યાનનો આધુનિક ઢબે વિકાસ કરાતા મુલાકાતીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે.