રાજકોટ: રાજ્યમાં વધુ એક નામાંકિત કંપનીઓના નામે ડુપ્લીકેટ પ્રોડક્ટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અલ્ટ્રા ટેક સિમેન્ટના નામે ડુપ્લીકેટ સિમેન્ટ બનાવતા શખ્સની ધરપકડ કરી છે. જ્યારે આ ઈસમ પાસેથી ડુપ્લીકેટ સિમેન્ટ બનાવેલ જથ્થો પણ મળી આવ્યો છે. આ તમામ વસ્તુઓને પોલીસે કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ડુપ્લીકેટ સિમેન્ટનો કારોબાર: રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જણાવ્યા અનુસાર ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, શહેરની ભાગોળે આવેલા ઘંટેશ્વર નજીકના 25 વારિયા ક્વાર્ટર નજીકના વાળામાં અલ્ટ્રાટેક કંપનીના નામે ડુપ્લીકેટ સિમેન્ટનો જથ્થો પડ્યો છે. જેના આધારે પોલીસે અહીંયા અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના અધિકારીઓને સાથે રાખીને દરોડો પાડયો હતો. તેમજ અહીંથી ડુપ્લીકેટ સિમેન્ટના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે હાલ સમગ્ર મામલે પોલીસે ગુન્હો નોંધી ઇસમની વધુ પૂછપરછ શરૂ કરી છે. જેમાં તેની સાથે કોણ કોણ આ પ્રકારના ગુન્હામાં સામેલ છે અને કેટલા સમયથી આ પ્રકારની ડુપ્લીકેટ સિમેન્ટનું વેચાણ કરાઇ રહ્યું છે. તે દિશામાં પોલીસ દ્વારા કાર્યવાહી કરાઇ રહી છે.
એક શખ્સની ધરપકડ: ડુપ્લીકેટ સિમેન્ટના જથ્થા સાથે ઝડપાયેલ શખ્સનું નામ પ્રશાંત ચીમનભાઈ મારું છે, તેમજ તે રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર આવેલ ટેલિફોન એક્ષેચેન્જ નજીકની સોમનાથ સોસાયટીમાં રહે છે, અને રેતી અને કપચી વેચવાનો વ્યવસાય કરે છે. પોલીસે તેની પાસેથી 33 જેટલી ડુપ્લીકેટ અલ્ટ્રાટેક સિમેન્ટ ભરેલી થેલીનો જથ્થો, જ્યારે 80 અલ્ટ્રાટેક લખેલી ખાલી સિમેન્ટની થેલીઓ તેમજ પ્લાસ્ટિકની થેલીને સિલ કરવા માટેના ત્રણ સિલાઈ મશીન, એક વજન કાંટો સહિત કુલ રૂ.60 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.