રાજકોટ : કોરોનાકાળ બાદ દેશમાં નાની વયના યુવાનોમાં સત્તત હાર્ટ એટેકથી આવવાની ઘટનાઓ બની રહી છે. જેમાં તેમના મોત થઈ રહ્યા છે. તેમજ આ સિલસિલો હજુ પણ યથાવત છે. એવામાં રાજકોટ દક્ષિણ બેઠકના ધારાસભ્ય રમેશ ટીલાળાને હાર્ટ એટેક આવવાની વાત સામે આવી છે. એમ પણ ચર્ચા જામી હતી તે હાલ તેમની મુંબઈ ખાતે સારવાર કરવામાં આવી રહી છે.
ભાજપ નેતા કાર્યકર્તાઓમાં ચિતા : રમેશ ટીલાળાની તબિયત હવે સુધારા પર છે. પરંતુ ધારાસભ્ય રમેશ ટીલાળાને હાર્ટ એટેક આવવાની ઘટના પ્રકાશમાં આવતા તેમના સમર્થકો અને ભાજપના નેતાઓના ચિંતાની લહેર ફરી વળેલી જોવા મળી રહી છે.
લગ્ન પ્રસંગ દરમિયાન આવ્યો હળવો હાર્ટ એટેક : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ધારાસભ્ય રમેશ ટીલાળા ગઈકાલે પોતાના સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગ હોઇ હાજરી આપવા માટે ગયા હતાં. જે દરમિયાન તેમની તબિયત કથળી હતી. ત્યારે તેમને તાત્કાલિક રાજકોટની ખાનગી હસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. અહી તેમની પ્રાથમિક તપાસમાં માઈનોર હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું હતું. જ્યારે રાજકોટથી સારવાર લઈને રમેશ ટીલાળાને વધુ સારવાર માટે મુંબઈ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. અહી હાલ તેમની તબિયતમાં સુધારો હોવાનું તબીબો દ્વારા જાણવા મળ્યું છે. રમેશ ટીલાળા ધારાસભ્ય બન્યાં પહેલા સફળ ઉદ્યોગકાર અને ખોડલધામના ટ્રસ્ટી હતાં. ત્યારે ધારાસભ્ય બન્યા બાદ તેમણે ખોડલધામ ટ્રસ્ટના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
પરિવાર કહ્યું બોડી ચેકઅપ માટે લઈ ગયાં : જ્યારે રમેશ ટીલાળાને હાર્ટ એટેક આવવાની વાત સામે આવતા તેમના પરિવારજનો દ્વારા આ મામલે ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં તેમને જણાવ્યું હતું કે રમેશ ટીલાળાને કોઈ પણ એટેક આવ્યો નથી. તેમને માત્ર બોડી ચેકઅપ માટે મુંબઈની લીલાવતી હોસ્પિટલ ખાતે લઇ જવા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય રમેશ ટીલાળાને હાર્ટ એટેક આવ્યાની વાત વાયુવેગે શહેરભરમાં પ્રસરી છે. એવામાં તેમના પરિવારજનો દ્વારા આ મામલે માત્ર બોડી ચેકઅપ માટે ગયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જેના લઈને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.