રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી બે મહિના માટે રેલનગર અન્ડર બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. જ્યારે બ્રિજનું સમારકામ કરવાનું હોઇ જેના કારણે આ બ્રિજને આગામી બે મહિના માટે બંધ રાખવામાં આવ્યું છે. મહાનગરપાલિકા અને રેલવેના સંયુક્ત ઉપક્રમે આ અંડર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ બ્રિજના નિર્માણ બાદ તેમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળતી હતી. જેના કારણે રેલનગરના વિસ્તારવાસીઓને ખૂબ જ હાલાકી ભોગવી પડી રહી હતી.
રીનોવેશન શરુ : હવે આ મામલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બ્રિજનું ફરીથી રીનોવેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં અંદાજિત 50 લાખના ખર્ચે રેલનગર અંડર બ્રિજને રીનોવેશન કરવામાં આવશે અને ત્યારબાદ તેની ખુલ્લો મુકવામાં આવશે.
બે મહિના માટે અંડર બ્રિજ બંધ રહેશે : આ મામલે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ જામનગર હાઇવે ઉપર જામનગર બ્રિજને ક્રોસ કરીને જમણી તરફ રેલનગરમાં જવા માટે એક અંડર બ્રિજ રાજકોટ મહાનગરપાલિકા અને રેલવે તંત્રએ સાથે મળીને બનાવ્યો છે.
જ્યારે આ બ્રિજ બન્યા બાદ નાની મોટી પાણી ભરવાની સમસ્યા ખૂબ જ જોવા મળતી હતી. જેમાં પણ ભૂગર્ભ લાઈનમાં બ્રેકઅપની સમસ્યા આવતી હતી.જ્યારે ચોમાસું ના હોય તો પણ આ બ્રિજમાં વારંવાર પાણી ભરાઈ રહેતું હતું. ત્યારે આ અંડર બ્રિજમાં પાણીની ભરાવાની સમસ્યા ના રહે અને ભૂગર્ભ લાઇનનું બ્રેકઅપનો નિકાલ અન્ય જગ્યાએ થાય તે માટે કોર્પોરેશન દ્વારા આ બ્રિજ બનાવવાનું કામ શરૂ કર્યું છે અને આગામી બે મહિના સુધી આ બ્રિજને બંધ રાખવામાં આવશે...જયમીન ઠાકર ( ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી )
50 લાખના ખર્ચે કરાશે બ્રિજનું રીનોવેશન : સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ રેલનગર અંડર બ્રિજ રૂ. 50 લાખના ખર્ચે રીનોવેશન કરવામાં આવશે. જ્યારે આ વિસ્તારમાં બ્રિજ બન્યો ત્યારે મુખ્ય એક જ માર્ગ હતો. જેના પરથી રેલનગર વિસ્તારમાં અવર જવર રહેતી હતી. પરંતુ હવે રેલનગર વિસ્તારમાં જવા માટે અલગ અલગ ચાર જેટલા રસ્તાઓ છે.
પાણી ભરવાની સમસ્યાથી મુક્તિ : ત્યારે રેલવે અન્ડર બ્રીજ બે મહિના સુધી બંધ રહેશે તો પણ સ્થાનિકોને આવવા જવાની સમસ્યાનો સામનો નહીં કરવો પડે, ઉલ્લેખનીય છે કે રાજકોટના રેલનગર અંડર બ્રિજમાં વારંવાર પાણી ભરાવાની સમસ્યા રહેતી હતી. જેના કારણે કોર્પોરેશન દ્વારા હવે અહીંયા રુપિયા 50 લાખના ખર્ચે બ્રિજનું રીનોવેશનનું કામ કરવામાં આવશે. જેને લઇને સ્થાનિકોને વિસ્તારમાં પાણી ભરવાની સમસ્યાથી મુક્તિ મળી રહેશે.