રાજકોટ: શહેરના પોલીસ કમિશ્નર રાજૂ ભાર્ગવ દ્વારા ખાનગી લકઝરી બસોને શહેરમાં પ્રવેશ બંધી ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજકોટ શહેરના માધાપર ચોકડીથી લઈને ગોંડલ ચોકડી સુધીના 150 ફૂટ રિંગ રોડ ઉપર અનેક ટ્રાવેલ્સોની ઓફિસો આવેલ છે. આ રોડ ઉપર ટ્રાફિક સમસ્યા વધુ રહેતી હોય અને ટ્રાફિક વ્યવસ્થામાં ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. ગંભીર અકસ્માતો થવાની સંભાવના છે. જેને પગલે રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા માધાપર ચોકડીથી પુનીત પાણીનાં ટાંકા સુધી સવારે 8 થી રાત્રે 9 દરમિયાન ખાનગી લકઝરી બસોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે, આ જાહેરનામાને લાઇ ટ્રાવેલ્સ એસોસિએશનમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે અને આ બાબતે તેઓ રાજકોટ પોલીસ કમિશ્નરને રૂબરૂ રજૂઆત કરશે તેવું જણાવ્યું છે.
ટ્રાફિકની ગીચતા: રાજકોટ પોલીસ કમિશ્નરે બહાર પાડેલા જાહેરનામામાં જણાવ્યા મુજબ વધતા જતાં ટ્રાફિકના કારણે જાહેરમાર્ગો ઉપર ટ્રાફિકની ગીચતા થાય છે. વર્ષ 2015માં જે જાહેરનામું અમલમાં મુકાયું હતું, તેમાં ગોંડલ ચોકડીથી માધાપર ચોક સુધી ટ્રાફિક નહિવત હોવાથી ખાનગી બસોને અહીંથી અવરજવર કરવાની મંજૂરી આપવામાં આવી હતી. પણ હાલ આ રોડ ઉપર ટ્રાફિક વધતા ટ્રાફિક સુચારૂ અને સલામત રીતે ચાલે તે સર રાજકોટ શહેરમાં મોટી પ્રાઈવેટ લક્ઝરી બસો 150 ફુટ રિંગ રોડ માધાપર ચોકડીથી પુનીત પાણીનાં ટાકા સુધી પ્રતિબંધ મુકવાની જરૂરીયાત જણાય છે.
"રાજકોટ પોલીસ કમિશ્નરે એક જાહેરનામું બહાર પાડ્યું હોવાનું મીડિયા દ્વારા જાણવા મળ્યું છે. અગાઉ તેમની ઓફિસો લીમડા ચોક નજીક હતી. ત્યારબાદ સરકારનો આદેશ થતાં તેઓએ આ ઓફિસો 150 ફૂટ રિંગ રોડ ઉપર કરોડોનાં ખર્ચે ફેરવેલી હતી. આ કામગીરી બાદ હવે અચાનક કોઈપણ સમય આપ્યા વિના આ રોડ પર બસ લાવવાની મનાઈ કરવામાં આવી છે જે યોગ્ય નથી. આ નિયમને કારણે મુસાફરોને ભારે હાલાકી પડે તેવી શક્યતા હોવાનું જણાવ્યું છે. આ જાહેરનામુ બહાર પડ્યા બાદ જાહેરનામાને લઈને જાહેરનામાનો અભ્યાસ કર્યા બાદ આ મુદ્દે મુખ્યપ્રધાન, ગૃહપ્રધાન તેમજ સ્થાનિક મંત્રી ભાનુ બાબરીયા સહિતનાને રજૂઆત કરવામાં આવશે તેવું જણાવ્યું છે"-- દશરથસિંહ વાળા (ખાનગી ટ્રાવેલ્સ એસોસિએશનનાં પ્રમુખ)
પાણીના ટાંકાથી ગોંડલ ચોકડી: રાજકોટ શહેરમાં હવેથી સવારના આઠ વાગ્યાથી રાત્રીના નવ વાગ્યા સુધી 150 ફુટ રિંગ રોડ માધાપર ચોકડીથી પુનીત પાણીના ટાંકા સુધી પ્રાઈવેટ લકઝરી બસો (એચ.પી.વી. એટલે કે હેવી પેસન્જર વ્હીકલ) માટે પ્રવેશબંધી જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત ચોકડીથી જામનગર જવા માંગતી પ્રાઈવેટ લકઝરી બસો પુનીત પાણીના ટાંકાથી વાવડી રોડ, 80-ફુટ રોડથી નવા 150 ફૂટ રિંગ રોડથી ઘંટેશ્વર ટી-પોઇન્ટથી જામનગર તરફ જઈ શકશે. અને માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી તરફ જવા માંગતી પ્રાઈવેટ લકઝરી બસો માધાપર ચોકડીથી ઘંટેશ્વર ટી-પોઇન્ટથી નવા 150 ફુટ રિંગ રોડની કટારીયા ચોકડી, 80-કુટરોડ વાવડી રોડથી પુનીત પાણીના ટાંકાથી ગોંડલ ચોકડી જઇ શકશે.