રાજકોટ : હાલમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વેપારીઓ વધુ નફો કમાવવાની લાલચે ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો બજારમાં વેચી રહ્યા છે. ત્યારે આ પ્રકારના ખાદ્ય પદાર્થોના કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર તેની ગંભીર અસરો પડી રહે છે. જેના કારણે ફૂડ વિભાગ દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા પણ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે અને મોટા પ્રમાણમાં અખાદ્ય પદાર્થો ઝડપી પાડવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં છેલ્લા ત્રણ મહિનામાં કોર્પોરેશન દ્વારા દૂધની બનાવટની અલગ અલગ 11 ટન જેટલી ભેળસેળયુક્ત વસ્તુઓ ઝડપી પડાઈ છે.
ત્રણ મહિનામાં બે મોટા દરોડા પાડવામાં આવ્યા : સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ ઓફિસર ડો. હાર્દિક મહેતાએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે ફૂડ વિભાગ એક્ટિવ થયું છે.
છેલ્લા ત્રણ મહિનાની અંદર દૂધ અને દૂધની બનાવટની અંદાજિત 11000 કિલો એટલે કે 11 ટન અખાદ્ય વસ્તુઓને ઝડપીને તેનો નાશ કરવાની કામગીરી કરાઈ છે. તેમજ આગામી દિવસોમાં પણ કોર્પોરેશન દ્વારા દૂધ અને દૂધની બનાવટની વસ્તુઓ જેમ કે મીઠાઈ, મલાઈ, માવો, પનીર સહિતની વસ્તુઓ પર ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે. તેમજ ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થો વેચતા વેપારીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે...ડો. હાર્દિક મહેતા (ફૂડ ઓફિસર, રાજકોટ મહાનગરપાલિકા)
7 હજાર કિલો મલાઈનો જથ્થો ઝડપાયો : ફૂડ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે અમે દૂધની બનાવટમાં મુખ્યત્વે મીઠાઈ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો માવો 5,000 કિલો પકડી પાડ્યો હતો. આ તમામ જથ્થાનો નાશ કરાયો છે. જ્યારે દૂધમાંથી બનાવવામાં આવતી મલાઈ અંદાજિત 7000 કિલો પણ ઝડપી પાડવામાં આવી હતી તેનો પણ નાશ કરાયો હતો.
કઇ બાબતોની ચકાસણી : ફુડ વિભાગ દ્વારા જે તે વિસ્તારમાં જ્યારે દરોડા પાડવામાં આવે છે ત્યારે અહીંયા જે વસ્તુઓ વેચાતી હોય છે તેની ચકાસણી કરવામાં આવતી હોય છે. સૌપ્રથમ તેમાં પેકેટ ઉપર શું લખ્યું છે શું નહીં? જેમાં પેકેટ બનાવવાની ડેટ, ત્યારબાદ એક્સપાયર ડેટ લખી છે કે કેમ? પેકેટની અંદર કયા પ્રકારની ક્વોલિટી છે. આ તમામ બાબતોની ચકાસણી કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ તે ખાવા લાયક છે કે નહીં તે નક્કી કરવામાં આવે છે, જરૂર જણાય તો ફૂડ વિભાગ દ્વારા આ ખાદ્ય પદાર્થના નમtના પણ લેવામાં આવે છે અને તેને લેબોરેટરી ખાતે મોકલવામાં આવે છે.
વેપારીઓને દંડ અને જેલ એમ બન્ને સજા થાય : ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો આરોગવાના કારણે સૌપ્રથમ તો ફૂડ પોઝિંગ થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જેમાં ડાયેરિયા અને ઊલટી થતી હોય છે. જ્યારે આ પ્રકારના અખાદ્ય પદાર્થો લાંબા સમય સુધી આરોગવાના કારણે આંતરડા અને પેટના કેન્સર સહિતના ગંભીર રોગો પણ થાય છે. આ પ્રકારના ભેળસેળ યુક્ત પદાર્થો વેચતા વેપારીઓ વિરુદ્ધ પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. સૌપ્રથમ દરોડામાં તપાસ દરમિયાન અખાદ્ય પદાર્થના સેમ્પલ લેબોરેટરી ખાતે મોકલવામાં આવે છે. જે સેમ્પલમાં ખરખરે આ પદાર્થને બનાવવામાં શું શું ઉપયોગમાં લેવામાં આવ્યું છે તે સામે આવે છે અને ત્યારબાદ જો લોકોમાં સ્વાસ્થ્યને વધુ હાનિકારક વસ્તુઓ આ પદાર્થમાંથી મળી આવે તો તે ફેઇલ થયા બાદ આ મામલે કેસ કરવામાં આવે છે અને કોર્ટ કાર્યવાહી થાય છે. જેમાં વેપારીઓને દંડ અને જેલની પણ સજા થાય છે.