રાજકોટ : રાજકોટમાં ગયા અઠવાડિયે શહેરના વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે વરસાદ આવવાના કારણે શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વધ્યો હોય તેવું સામે આવ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં ચિકનગુનિયાના 6 કેસ, જ્યારે ડેન્ગ્યુના 11 કેસ અને મેલેરિયાનો 1 કેસ જોવા મળ્યો છે. આ આંકડા રાજકોટ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં નોંધાયા છે. એવામાં હજુ પણ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે.
ડેન્ગ્યુના 11 કેસ નોંધાયા : રાજકોટમાં રોગચાળાની વાત કરવામાં આવે તો ગત તારીખ 25/9 થી 1 /10 સુધીમાં કોર્પોરેશનના તંત્રે મેલેરિયાનો 1 કેસ, જ્યારે ડેન્ગ્યુના 11 કેસ અને ચિકનગુનિયાના 6 જેટલા કેસ નોંધાયા છે. એવામાં વર્ષ દરમિયાન એટલે કે 1 જાન્યુઆરી 2023થી અત્યાર સુધીમાં મેલેરિયાના કુલ 25, જ્યારે ડેન્ગ્યુના 96 અને ચિકનગુનિયાના 42 જેટલા કેસ નોંધાયા છે જે ગયા વર્ષની સરખામણીમાં અત્યાર સુધીમાં સૌથી વધુ છે.
શરદી ઉધરસના 479 કેસ જોવા મળ્યા : જ્યારે શરદી ઉધરસના કેસની વાત કરવામાં આવે તો છેલ્લા એક અઠવાડિયામાં શરદી ઉધરસના 479 કેસ રાજકોટમાં નોંધાયા છે. સામાન્ય તાવના 42 કેસ અને ઝાડા ઉલટીના 164 કેસ નોંધાયા છે. જ્યારે ટાઈફોડનો પણ એક 1 કેસ સામે આવ્યો છે. રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો ઘટે તે માટે કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ સક્રિય જોવા મળી રહ્યું છે.
ફોગિંગની કામગીરી : રાજકોટ મનપા દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં 3000 કરતા વધુ ઘરોમાં ફોગિંગની કામગીરી કરવામાં આવી છે. જ્યારે 72 હજાર કરતાં વધુ ઘરોમાં મચ્છરજન્ય પોરાનાશકની કામગીરી કરાઈ છે. આરોગ્ય વિભાગનો કુલ 500 કરતાં વધુનો સ્ટાફ ફિલ્ડમાં અલગ અલગ કામગીરી કરી રહ્યો છે અને સઘન ચેકીંગ અને તપાસ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં વરસાદ પડવાના કારણે શહેરમાં મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળ્યા હોય તે પ્રકારના કેસના કેસ મનપા ચોપડે નોંધાયા છે.