રાજકોટ : ધોરાજીના મોટીમારડ ગામે એક જ સમાજના બે જુથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં આ ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જ્યારે અનેક લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં ઇજાગ્રસ્તોને પ્રથમ મોટીમારડ અને ધોરાજી તેમજ જૂનાગઢ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ગામના રબારી સમાજના બે જુથ વચ્ચે ઢોર ચરાવવા બાબતે ધીંગાણું થયું હતું. આ ધીંગાણું લોહિયાળ બનતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જ્યારે અનેક લોકો આ ધીંગાણામાં ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો : ધોરાજી તાલુકાના મોટીમારડ ગામે થયેલી બબાલ અંગે જાણ થતાં ધોરાજી પોલીસ તેમજ પાટણવાવ પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી. કોઈ વધુ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દીધો હતો. તો બીજી તરફ જેતપુર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક પણ મોટીમારડ ગામ ખાતે દોડી આવ્યા હતા. સમગ્ર બાબતની પ્રાથમિક માહિતી મેળવી અને કાર્યવાહી કરવા અંગેની સૂચનાઓ આપી હતી. આ ઘટનામાં સામતભાઈ પુંજભાઈ કરોતરા નામના વ્યક્તિનું મૃત્યુ થયું છે. જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થતાં બન્ને પક્ષોએ પાટણવાવ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સવારે મોટીમારડ ગામે રબારી સમાજના બે જુથ વચ્ચે જૂના મનદુ:ખના કારણે ઝઘડો થયેલો છે. જેમાં હાલ બન્ને પક્ષોને પ્રથમ મોટીમારડ અને બાદમાં જુનાગઢ ખાતે રીફર કરવામાં આવેલ છે. જે બાબતની તપાસ પાટણવાવ પોલીસ સ્ટેશનના PSI ચલાવી રહ્યા છે. બન્ને પક્ષોની ફરિયાદ માટેની તજવીજ હાથ ધારેલ છે. તેવું જણાવ્યું છે તેમજ આ ઘટનામાં માથાકૂટનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું, પરંતુ આ ઘટનામાં એક વ્યક્તિનું મર્ડર થયું હોવાનું જણાવ્યું છે. - અનિરૂધ્ધસિંહ ગોહિલ (ધોરાજી, PI)
વાતાવરણ શાંત કરવામાં આવ્યું : આ અંગે રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસના જેતપુર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક રોહિત સિંહ ડોડીયાએ જણાવ્યું છે કે, મોટીમારડ ગામમાંથી સીમમાં જવાન રસ્તે રબારી સમાજના બે જુથ વચ્ચે મારામારી થયેલી છે. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ ઘટનામાં બન્ને પક્ષોના લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવેલા છે. આ બબાલમાં બન્ને પક્ષો વચ્ચે અવારનવાર સામસામી બોલાચાલી થતી હતી તેવું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ વધુ કોઈ બબાલ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવીને વાતાવરણ શાંત કરવામાં આવ્યું છે.
મૃતકના પુત્રએ લખાવી ફરિયાદ : આ ઘટનામાં મૃતક સામતભાઈના પુત્ર ભાવેશ ઉર્ફે ભામા નામના વ્યક્તિએ પાટણવાવ પોલીસમાં ઉકા સુદાભાઈ કરોતરા, કમલેશ ઉકાભાઈ કરોતરા, નારણ ઉર્ફે લાલો થોભણભાઈ કરોતરા, બાવન ઉર્ફે બાલો મુળુભાઈ કરોતરા, દેવાયત ગિગનભાઈ કરોતરા, ભરત દેસૂરભાઈ કરોતરા, કેતન ભિમાભાઈ કરોતરા, આલા મુળુભાઈ કરોતરા, વિરા ગિગલભાઈ કરોતરા અને ભીખા દેસૂરભાઈ કરોતરા સામે ફરિયાદ નોંધાવી છે. તેમાં આ તમામ સામે પાટણવાવ પોલીસ IPC કલમ 302, 307, 323, 324, 143, 147, 148, 149, 504, 506(2), તેમજ જી.પી. એક્ટ 135 મુજબ ફરિયાદ દાખલ કરી છે.
સામ સામે ફરિયાદ : આ સાથે સામે દેવાયત ગિગનભાઈ કરોતરાએ સામત પુંજાભાઈ કરોતરા, ભાવેશ ઉર્ફે ભામો સામતભાઈ કરોતરા, કીહા પુંજાભાઈ કરોતરા, જગુ કીહાભાઇ કરોતરા, ભુરા કિહા કરોતરા, ભીમા પુંજાભાઈ કરોતરા, ધાના થોભણભાઈ કરોતરા, ગીગન સામતભાઈ કરોતરા, રાજુ વીરાભાઇ કરોતરા અને લાખા વીરાભાઇ કરોતરા નામના લોકો સામે પાટણવાવ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. પાટણવાવ પોલીસે તમામ લોકો સામે IPC કલમ 323, 324, 326, 143, 147, 148, 149, 504, 506 (2) તથા જી.પી. એક્ટ 135 મુજબ ગુનો દાખલ કર્યો છે.