રાજકોટઃ રાજકોટમાં જુગાર રમતી વખતે વૃદ્ધને માર માર્યા બાદ મોત નીપજ્યું હતું. રાજકોટના કોઠારીયા વિસ્તારમાં આવેલા રણુજા મંદિર નજીક શિવધારા સોસાયટીની આ ઘટના છે. જ્યા મેહુલગિરી મેઘનાર્થી નામના શખ્સના ઘરે જુગાર ચાલતો હતો. જે દરમિયાન કોઇ બાબતે બબાલ સર્જાઈ હતી. જેમાં એક વૃદ્ધને પૈસા બાબતે માર મારતાં તેઓ બેભાન થઈને ઢળી પડ્યા હતાં. છતાં પણ સમયે ઈસમો તેમને રૂમમાં જ પૂરી રાખ્યા હતાં. ત્યારબાદ આ વૃદ્ધનું મોત થયું હતું. જ્યારે વૃદ્ધનું હૃદય બેસી જવાના કારણે મોત થયા હોવાનું હાલ સામે આવ્યું છે. ત્યારે આ મામલે રાજકોટની આજી ડેમ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને વૃદ્ધના મૃતદેહને ફોરેન્સિક પીએમ ખાતે ખસેડવામાં આવ્યો છે.
મહિલાઓ સહિત 9 રમતાં હતાં જુગાર : ચાર મહિલા સહિત 9 લોકો રમતા હતા જુગાર સમગ્ર ઘટનાની વાત કરીએ તો શહેરના શિવધારા સોસાયટીમાં મેહુલગીરી મેઘનાર્થી નામના શખ્સના ઘરે જુગાર ચાલી રહ્યો હતો. જ્યારે અહી 8થી 9 લોકો જુગાર રમી રહ્યા હતા. જેમાં ચાર જેટલી મહિલાઓ પણ શામેલ હતી. એવામાં રતિગીરી ગોસાઈ નામના વૃદ્ધને પૈસા બાબતે વિરમ નામના શખ્સ દ્વારા માર મારવામાં આવ્યો હતો અને તેમની પાસેથી રૂપિયા 25 હજારની ખંડણી માંગવામાં આવી હતી.
માર મારી પૂરી રાખ્યાં હતાં: પૈસા બાબતે વૃદ્ધને માર મારવામાં આવતા તેઓ ઘટના સ્થળે ઢળી પડ્યા હતાં. પરંતુ આ શખ્સો દ્વારા વૃદ્ધને ઘરમાં પૂરી રાખવામાં આવ્યા હતાં. જે દરમિયાન તેમનું હૃદય બેસી ગયું હતું અને તેઓ મૃત્યુ પામ્યા હતાં. જ્યારે આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ આજીડેમ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી હતી.
મારા ભાઈ સહિત 8થી 9 લોકો ત્યાં જુગાર રમી રહ્યા હતાં. એવામાં પૈસા મામલે મારા ભાઈને માર મારવામાં આવ્યો હતો. જેના કારણે મારા ભાઈ બેભાન થઈને ઢળી પડ્યા હતા અને તેઓ મૃત્યુ પામ્યા હતાં. ત્યારબાદ આ શખ્સો રૂમનું દરવાજો બંધ કરીને ભાગી ચૂક્યા હતા અને રૂપિયા 25,000ની ખંડણી માંગતા હતાં. જ્યારે મારા ભાઈની પુત્રી અને જમાઈ પૈસા લઈને અહીંયા પહોંચ્યા હતાંને જોયું તો મારા ભાઈ મૃત અવસ્થામાં જોવા મળ્યા હતાં...ભૂપતગીરી ગોસાઈ( મૃતક વૃદ્ધના ભાઈ)
આરોપીઓની ધરપકડની માંગ : ત્યારે આમ અમને અમારી એક જ માંગ છે કે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં પોલીસની મીઠી નજર હેઠળ અલગ અલગ વિસ્તારમાં જુગારધામ ચાલી રહ્યાં હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. એવામાં જુગાર રમતી વખતે બબાલ થયા બાદ એક વૃદ્ધનું મોત થતા ફરી એકવાર પોલીસની કામગીરી ઉપર સવાર ઊભા થઈ રહ્યા છે.