રાજકોટ : સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં પોલીસનો કોઈ ડર ન હોય તે પ્રકારની ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવી રહી છે. ત્યારે આજે વધુ એક મારામારીની ઘટના સામે આવી છે. શહેરના રૈયા રોડ પરના એક હોટેલમાં છૂટ્ટા હાથની મારામારી થઈ હતી. અહીં પૈસાની લેતીદેતીના મામલે ચાર જેટલા શખ્સો વચ્ચે મારામારી કરી હતી. આ લોકો એકબીજા પર ધોકા અને પાઇપ વડે જીવલણે ઘા કરતા હોવાના CCTV ફૂટેજ પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
છુટ્ટા હાથની મારામારી : સમગ્ર ઘટનાની મળતી વિગત અનુસાર આ મારામારી શહેરના રૈયા રોડ વિસ્તારમાં આવેલી ભગવતી રેસ્ટોરન્ટમાં બની હતી. જેમાં કેટરર્સના વ્યવસાય સાથે સંકળાયેલા હાર્દિક પંચાસરા અને તેના પિતા બળવંત પંચાસરા અને ભગવતી રેસ્ટોરન્ટના મહેન્દ્ર કેસુર અને તેના ભાઈ ખોડા કેસુર વચ્ચે ભારે મારામારી થઈ હતી. આ મારામારી તેલના ડબ્બાના પૈસા મામલે સર્જાઈ હતી. જેમાં બંને પક્ષોએ એકબીજા પર ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો.
2 વ્યક્તિ ઈજાગ્રસ્ત : આ ઘટનામાં હાર્દિક અને તેના પિતાને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે બંને પક્ષો વચ્ચે છૂટ્ટા હાથની મારામારી સર્જાઈ હતી.
CCTV ફૂટેજ વાયરલ : આ મારામારીની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા બાદ સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. જ્યારે બીજો આરોપી પણ હાથવેંત હોવાનું PI રજીયાએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
પોલીસ વિભાગની કામગીરી પર પ્રશ્ન : સમગ્ર ઘટના મામલે બંને પક્ષો દ્વારા સામ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. તેમજ આ મારામારી અગાઉની પૈસાની લેતીદેતી મામલે થઈ હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે. રાજકોટના રેસ્ટોરન્ટમાં મારામારીની ઘટના સામે આવ્યા બાદ ચકચાર મચી જવા પામી છે. ઉપરાંત ફરી એક વખત મારામારીની ઘટના સામે આવ્યા બાદ પોલીસ તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.