રાજકોટ : આ બનાવની જે વિગતો સામે આવી છે તે મુજબ જેતપુરના મોણપરમાં સાડીના ધોલાઈ ઘાટ બાબતે એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે ઝઘડો ચાલતો હતો. કુટુંબી ભાઈઓ વચ્ચે ખૂની ખેલના બનાવમાં એક જૂથના આધેડ દેરડી ગામે બેઠા હતાં ત્યારે સામેના જૂથના પિતાપુત્રએ ધારિયાકુહાડી અને ધોકાથી હુમલો કરી એક આધેડનું ઢીમ ઢાળી દીધું હતું. હુમલો કરનાર યુવાનને પણ માથામાં ઇજા પહોંચતા તેે પણ લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પીટલ પહોંચ્યો હતો. બંને જૂથના લોકો હોસ્પિટલમાં હાજર હતા ત્યારે માહોલ ગરમાતાં મોણપરમાં જેતપુર પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો.
કુટુંબી ભાઈઓ વચ્ચે ખૂની ખેલ : જેતપુર તાલુકાનાં દેરડી ગામે સાડીનાં ધોલાઈ ઘાટ બાબતે કૌટુંબિક ભાઇઓના બે જૂથ વચ્ચે લાંબા સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો. આઠેક દિવસ પૂર્વે પણ ઝઘડો થયો હતો. ત્યારે એક જૂથના કટુભાઈ ધાંધલ દેરડી ગામે નિત્યક્રમ મુજબ સવારે એક દુકાને બેઠા હતાં, ત્યાં હરીફ જૂથના બાઘુભાઈ ધાંધલ અને તેમનો પુત્ર રવુભાઇ બંને એક ગાડીમાં હથિયારો સાથે ધસી આવી કટુભાઈ પર ધાતક હથિયારો સાથેે તૂટી પડ્યા હતાં.
આ પણ વાંચો Ahmedabad Crime News : અમદાવાદના નરોડામાં એસઆરપી જવાન ચેઈન સ્નેચિંગ કરતો ઝડપાયો
હત્યાનો બનાવ : હુમલાને પગલે આસપાસમાં ભાગંભાગ થઇ પડી હતી. કટુભાઈ સાથે કૌટુંબિક ભત્રીજા કિશોરભાઈએ કટુભાઈના ભાઈ ભરતભાઇ તેમજ પરિવારને બનાવની જાણ કરી હતી. તમામ લોકો દેરડી આવી પહોંચ્યાં ત્યારે કટુભાઈ ઇજાગ્રસ્ત હાલાતમાં રસ્તા વચ્ચે પડ્યા હતાં. તેઓને તરત સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યાં હતાં જ્યાં ડોકટરે કટુભાઈને તપાસી મૃત જાહેર કર્યાં હતાં.
પોલીસ બંદોબસ્ત ગોઠવાયો : ધંધાના મુદ્દે અદાવતમાં બીજી તરફ જે લોકો પર હુમલાનો આરોપ લગાવાયો છે તે બાઘુભાઈના પુત્ર રવુભાઈને પણ માથામાં ઇજા થઇ હોવાથી સારવાર માટે પહેલાંથી જ સરકારી હોસ્પિટલમાં આવી ગયાં હતાં જેથી બંને જૂથ સામસામે આવી જતાં વાતાવરણ ઉગ્ર બની ગયું હતું. જોકે જેતપુર પોલીસ સમયસર પહોંચી જતાં મામલો કાબૂમાં રહ્યો હતો. આરોપી ઇજાગ્રસ્ત રવુભાઈ તેના પિતા સાથે ગાડી હંકારી હોસ્પિટલ આવ્યા હતાં તે ગાડી પોલીસની નજરમાં આવતા ગાડીમાં લોહીના નિશાનવાળી કુહાડી, ધારીયા અને ધોકા નજરે પડતા જેતપુર પોલીસે હથિયારો સાથે એક્સયુવી ગાડી કબ્જે લઇ લીધી હતી.
આ પણ વાંચો kheda Crime : 16 વર્ષના કિશોરને પાડોશીએ છાતીના ભાગે મુક્કા મારીને મારી નાખ્યો
પોલીસ ફરિયાદ નોંધાવવા ઇનકાર : જૂથ મારામારીના આ કેસમાં મામલો વધુ ન વણસે તે માટે પોલીસે હોસ્પિટલ અને મોણપરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.. પહેલાં સમગ્ર ઘટના બાબતે પોલીસ ફરિયાદ નોંધાવવા ઇનકાર કરવામાં આવ્યો હતો. જોકે બાદમાં સમજાવટ બાદ મૃતકના પરિવારજન ફરિયાદ નોંધાવવા તૈયાર થયાં હતાં. છેવટે મૃતકના ભાઈ જેતપુર તાલુકા પંચાયતના સદસ્ય ભરતભાઇ ધાંધલ ફરીયાદ કરવા તૈયાર થયાં હતા.
પરિવારજનની પ્રતિક્રિયા : ત્યારે ભાઇઓ વચ્ચેના લોહિયાળ જંગ અંગે ભરતભાઇ ધાંધલે જણાવ્યું હતું કે આ બનાવ એક કાવતરું છે. તેમાં પાંચથી છ લોકો સંડોવાયેલ છે. આ તમામ સામે પોલીસ ફરીયાદ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. મૃતકની અંતિમવિધિ સાંજના સમયે થયાં બાદ પોલીસે ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી હતી.
ફરિયાદમાં કોના નામ : હત્યાના બનાવમાં મૃતકના ભત્રીજા કિશોરભાઈ ધાંધલે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ મુજબ કટુભાઇ બનાવના દિવસે વહેલી સવારે પોતાના ઘેર હતાં તે સમયે રવુભાઈ બાઘુભાઈ ભાવેશભાઈ ભીખુભાઇ ધાંધલ પ્રકાશભાઈ દાદભાઈ ધાંધલ અને દેવકુભાઈ દાદભાઈ ધાંધલ તેમને મારવા માટે આવ્યાં હતાં, ત્યારે કટુભાઈ આ હુમલાખોરોથી બચીને નીકળી ગયાં હતાં અને પોલીસ ફરિયાદ કરવા જેતપુર આવતા હતાં. ત્યારે રસ્તામાં જ રવુભાઈ અને તેના પિતા બાઘુભાઈ દેરડી ગામે ગાડીમાં આવી કટુભાઈ પર હથિયારો વડે હુમલો કરી તેની હત્યા નિપજાવી નાંખી હતી.
બે આરોપીની ધરપકડ :જેતપુર પોલીસમાં ફરિયાદ નોંધાવાતાં બાઘુભાઈ ધાંધલ અને તેમના પુત્ર રવુભાઈ સામે હત્યાની અને મુન્નાભાઈ ઉર્ફે ભૂપતભાઇ ભીખુભાઇ ધાંધલ ભાવેશભાઈ ભીખુભાઇ ધાંધલ, પ્રકાશભાઈ દાદભાઈ ધાંધલ, દેવકુભાઈ દાદભાઈ ધાંધલ સામે કાવતરું રચી મારી નાખવાની ધમકી આપી હત્યા નિપજાવવા માટે આઇપીસી કલમ 302, 143, 147, 148, 149, 506(2), 120 (બી) હેઠળ આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી. આ બનાવ બાદ જેતપુર પોલીસ બાઘુભાઈ ધાંધલ અને તેમના પુત્ર રવુભાઈની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે.